Pages

Sunday, December 11, 2011

રણને તરસ ગુલાબની

વડીલ, આ તો બધી તરણાની માયા છે, બાકી હું તો માત્ર નિમિત્ત જ છું - નવતર
‘નવતર, કંઇક તો બોલ. ચૂપ કેમ છે?’
નદીના કિનારે પગથિયાં હતાં. ને એ પગથિયાં પર બેઠેલી તરણા જોડે જ બેઠેલા યુવાન નવતરને મૂંગો જોઇને બોલી રહી હતી. તરણાને માત્ર યુવતી કહો તો આખી સ્ત્રી જાતિનું અપમાન ગણાય, કારણ કે તરણા રૂપનું આખેઆખું માનસરોવર હતી. આકાશની પરીનેય ‘પશલી’ બનાવી દે ને રતિનેય એને જોઇને સળગીને ‘સતી’ થઇ જવાનું મન થાય, એવી હતી લાખેણા રૂપની માલિકણ તરણા! ઉપરવાળાએ સાવ નવરાશની પળોમાં ફૂલની નાજુકાઇ અને મોરનો ટહુકો મેળવીને એક રૂપવતી યુવતી બનાવી હતી, ને એનું નામ હતું ઃ તરણા! નદીનો કિનારો છે. માના અમરતિયાં ધાવણ જેવાં જળ ઉછાળા મારતાં વહી રહ્યાં છે.
ઊંચાઇ પર સર્વેશ્વર મહાદેવનું મંદિર છે. બપોરની વેળા છે. લીમડાના ઝાડનો છાંયડો છે. એ છાંયડા નીચે પગથિયા પર બેઠો છે નવતર નામના હેન્ડસુમ યુવાન ને તરણા નામની રૂપના હિમાલય જેવડા ઢગલાવાળી તરણા! તરણાના પિતાશ્રી અમથાલાલ અબજપતિનું નામ આવડા મોટા સાઠ લાખના શહેરમાં પંકાતું નામ છે. અમથાલાલ અબજપતિએ પરમ દિવસે જ એમના આઠમા કારખાનાનું લોકાર્પણ કર્યું. નદીની જેમ જ રૂપિયા ઉછાળા મારતા આવતા હતા. અમથાલાલ અબજપતિના સર્વદા પેલેસમાં! અમથાલાલના પેલેસમાં રૂપિયાનો તો ઢગલો હતો જ, પણ રૂપનો ય ઢગલો હતો. અને આ ઢગલો એટલે એમની એકની એક દીકરી તરણા! તરણા એક તો યુવાન હતી, ઉપરાંત વિશ્વમોહિની રૂપની સ્વામિની હતી.
એટલે એના રૂપની એકાદ ઝલક જોવા ખટસ્વાદિયા જવાનિયા પેલેસના ઉપરના માળની બાલ્કની સામે એકીટશે જોયા કરતા. તરણા કોલેજ જતી તો જવા-આવવાના સમયે એના ઝાંપા બહાર અડધોડઝન રૂપતરસ્યા જુવાનિયા આંટા માર્યા કરતા. અરે, જુવાનિયા જ શા માટે, પચાસી વટાવી ગયેલા ત્રણ ત્રણ છોકરાંના પિતાશ્રીઓ પણ રૂપશ્રીમંત એવી તરણાને જોવા વૃક્ષની આડશ લઇને ઊભા રહેતા.
પણ વાત જરા જુદી હતી. અમથાલાલ શેઠ જ્યારે સાવ સાધારણ મુનીમ હતા ત્યારે જ પોતાની પાંચ વરસની પુત્રી તરણાનું સગપણ નવનીતલાલ માસ્તરના દીકરા નવતર હાર્યે કરી નાખ્યું હતું.
શેઠ પાછા બોલ્યુ ફરે એવા ન હોતા. સર્વદા શેઠાણી કહેતાં ઃ ‘શેઠ, આપણી તરણા તો મોટી થઇ ગઇ, ને ભણી ઊતરી હવે શું કરીશું?’
‘લગ્ન!’
‘લગ્ન?’
‘હા, લગ્ન. મેં જીભ કચરી દીધી છે. ત્યારે આ અમથાલાલ માત્ર મુનીમ અમથો જ હતો. ને એ વખતે જ આપણે માસ્તરના નવતર હાર્યે આપણી તરણાની સગાઇ કરેલી. પછી તો ચૌદ-પંદર વરસમાં આપણો સિતારો ચમકી ગયો. વાયદાબજારમાં ઢગલો ધન કમાયા. કારખાના પર કારખાના હું નાખતો ગયો. ને એક વખતનો મુફલીસ મુનીમ અમથો આજે અમથાલાલ અબજપતિ બની ગયો! પણ એનો અર્થ એ નથી કે આપણે વચન ફેરવવું. મેં મારી સગી જીભ કચરી છે. હવે તો તરણાનાં નવતર હાર્યે લગ્ન થઇને જ રહેશે!’
‘તમારી વાત સાચી છે.’
ને પછી અમથાલાલ અબજપતિના પેલેસમાં વર-કન્યા પક્ષના વડીલોની મિટંિગ મળી. ગોર મહારાજ પણ ટીપણું લઇને આવી ગયા. વર-કન્યાના સહેજ આઘાપાછા થતા ચીબાવલા ગ્રહોને શાંત કરી દેવાયા. ને બગલો નદીના જળમાંથી ડબ લઇને માછલું પકડે એમ ઠીંગણા કદના ગોરમહારાજે ટીપણામાંતી ‘મુરત’ પકડી પાડ્યું.
પંદરમી ફેબુ્રઆરી.
રવિવારનો શુભ દિવસ.
બધાં ય શુભ ચોઘડિયાં લગ્ન સમયની આસપાસ ગોઠવાઇ ગયાં હતાં. આંગળીના વેઢાનાં ગણતર રંગ લાવ્યાં. ટીપણાએ ટકોરો દીધો. ને મુરત નીકળી ગયું ઃ પંદરમી ફેબુ્રઆરી!
હવે માંડ દસ દિવસ બાકી હતા. અમથાલાલનો મહેલ રોશનીથી ઝાકમઝોળ થઇ ગયો હતો. કંકોતરીઓ છપાઇ ગઇ હતી. મહેમાનોના નામનું લીસ્ટ બની ગયું હતું. સાત મિલ માલિકો આવશે. રાજ્યના હોમ મિનિસ્ટર ખાસ હાજરી આપશે. પચાસ કરોડપતિઓ અને સિત્તર લખપતિઓ શમિયાણાની શોભા વધારશે. ગવર્નર સાહેબે પણ આશીર્વાદ આપવા સત્તાવીસ મિનિટ ફાળવી હતી.. ધોધમાર તૈયારીઓ ચાલી રહી હતી. વરરાજાને હાથી પર બેસાડીને લાવવાની વ્યવસ્થા થઇ ગઇ હતી. ચાર કેટરર્સને રોકી લેવામાં આવ્યા હતા. સગાંવહાલાં-મિત્રમંડળ સૌ મળીને બાર હજાર મહેમાનો માટેના અતિ સ્વાદિષ્ટ ભોજનના આદેશો અપાઇ ચૂક્યા હતા.
સમય સરકતો હતો.
હવે માત્ર ચાર જ દિવસ બાકી હતા. ત્યાં જ તરણાએ નવતરના મોબાઇલની રીંગ રણઝણાવી દીધી. ને કહી દીઘું ઃ ‘નવતર! હું તને મળવા માગું છું.’
‘પણ હવે તો આપણા લગ્નને-’
‘ચાર દિવસ જ બાકી છે, એમને? એ ચાર દિવસના છન્નુ કલાક ને માર ગોલી. ને સાંભળ મારી વાત.’
‘બોલ.’
‘મળવું જરૂરી છે... બોલ આજે બપોરના ત્રણ વાગે હોથલી નદીના પગથિયાં પર..’
‘સમજી ગયો!’
‘શું સમજ્યો? જો સાંભળ, મારે આટલા શબ્દોથી તને નહિ સમજાય. હજી તો સમજવાનું ઘણું બાકી છે. ને એ માટે, એટલે કે તારા દિમાગમાં સાચી સમજણ ઊતારવા માટે આપણે મળવાનું છે. આવીશ?’
‘યસ.’
ને પછી તો બરાબર સવા ત્રણ વાગે બે ય જણાં હોથલી નદીનાં પગથિયાં પર બેઠાં હતાં ઃ એક હતો નવનીતલાલ માસ્તરનો હેન્ડસમ યુવાન પુત્ર નવતર, ને બીજી હતી અમથાલાલ અબજપતિની એકની એક દીકરી તરણા!!
‘બોલ તરણા! જે હોય તે કહી દે. માથે લગ્નનાં વાજાં વાગે છે. જલદી કર.’
‘ઉતાવળ છે?’
‘તારા જેવી સૌંદર્યસામ્રાજ્ઞીને પામવાની ઉતાવળ તો હોય જ ને!’
‘તો સાંભળ.’
‘બોલ.’
‘હું તારી સાથે લગ્ન કરવા માગતી નથી.’
‘કેમ?’
‘બધાં જ કારણો જણાવવાનાં ન હોય. કારણો દિલ સાથે સંબંધ રાખે છે. ને દિલની વાતનાં ઢોલ પીટવાના ના હોય!’
‘હવે?’
‘તારે મારું એક કામ કરવાનું છે!’
‘શું?’
‘મને બાજુ પર રહેવા દે અને તું જ મારા પપ્પાને કહી દે કે હું તરણા સાથે લગ્ન કરવા માગતો નથી!’
‘પણ હું ક્યાં એમ કરવા માગતો નથી?’
‘માગે છે, પણ હું માગતી નથી, સમજ્યો? આટલા દિવસોના સંબંધોના બદલામાં તારે મારું આટલું કામ કરવાનું છે. બોલ, કરીશ ફોન મારા પપ્પાને? કારણ પૂછે તો કહી દે જે કે હું બીજી એક છોકરીને ચાહું છું ને એની સાથે જ લગ્ન કરવાનો છું.’
‘પણ હું ક્યાં કોઇને ચાહું છું? હું તો માત્ર તને જ ચાહું છું.’
‘પ્રેમ ત્યાગ માગે છે, નવતર! આટલો ત્યાગ તારે કરવાનો છે. ને એકાદ અસત્ય વચન બોલવાનું છે તારે.’
‘ભલે.’
અને લગ્નના આગલા દિવસે જ અમથાલાલ સર્વદા પેલેસમાં જોરદાર બોમ્બ ફૂટ્યો. જમાઇરાજનો ફોન આવ્યો ઃ ‘હું તમારી તરણા સાથે લગ્ન કરવા માગતો નથી, વડીલ! તમે કારણ પૂછો એ પહેલાં જ જ કહી દઉં કે હું બીજી એક છોકરીને ચાહું છું! એટલે મેરેજ કેન્સલ.’ સાંભળતાં જ પેલેસમાં ધમાધમ મચી ગઇ... અમથાલાલે નવનીતલાલ માસ્તર એટલે કે વેવાઇને ફોન કર્યો, પણ ફોન નવતરે જ ઊપાડ્યો. ‘તમને કહી દીઘું ને વડીલ, કે આવતીકાલનાં લગ્નને કેન્સલ કરો. બસ, વાત પૂરી!’
- અને બીજા દિવસની સવારે અમથાલાલના સર્વેદા પેેલેસમાં ધરતીકંપના આંચકા પર આંચકા આવવા લાગ્યા ઃ તરણા પરોઢિયાથી જ ગુમ હતી, તો બંગલાના ચોકિયાતનો છોકરો મૃગેશ પણ ગાયબ હતો! અમથાલાલે કપાળ કૂટ્યું. ત્યાં જ નવતરનો ફોન આવ્યો ઃ ‘વડીલ, આ તો તરણાની માયા છે. બાકી હું તો માત્ર નિમિત્ત જ છું!’
‘એટલે?’
‘તરણાએ ભણાવેલો પાઠ જ હું તો પોપટની જેમ બોલી ગયો છું. બાકી શેઠ, આજે ય હું તો તરણાને જ ચાહું છું. સમજ્યા?’
- ક્રોધ તો એટલો બધો આવ્યો હતો અમથાલાલને કે સામે તરણા ઊભી હોત તો અજગરની જેમ ગળી જાત, પણ ક્રોધની દિશા જ બદલાઇ ગઇ. હાથમાંના મોબાઇલનો શેઠે છુટ્ટો ઘા કર્યો.. મોબાઇલના ટુકડે ટુકડા થઇ ગયા- શેઠના દિલની જેમ જ તો!

0 comments: