Pages

Wednesday, March 3, 2010

તમે આઈસક્રીમને પ્રેમ કરો છો?

શબ્દો માણસ જેવા છે. સૌની અલગ અલગ તાસીર હોય, જુદીજુદી છટા હોય અને પોતપોતાનું આગવું વાતાવરણ પણ હોય. એક શબ્દ એક ભાષામાંથી બીજી ભાષામાં ગતિ કરે ત્યારે ક્યારેક ઘણું બધું બદલાઈ જતું હોય છે તે આપણે જાણીએ છીએ. આજે આપણી ભાષાના કેટલાક શબ્દોની મોહક ચેષ્ટાઓ જોઈએ.


‘મમ્મી.. સુધારેલા કાંદા કાપીને કેમ ખુલ્લા મૂકી દીધા?’ કોઈ ચાંપલી તરુણી ફ્રિજનું બારણું ખોલીને નાકનું ટીચકું ચડાવશે, ‘આખા ફ્રિજમાંથી કેટલી બધી ગંધ આવે છે, જો તો!’ કેટલાક શબ્દોની પોતાની ‘ઈમેજ’ હોય છે. દાખલા તરીકે, આ ‘ગંધ’.


આમ જોવા જાઓ તો ‘ગંધ’ શબ્દ પોતે તટસ્થ છે, તે સારા કે ખરાબ કોઈના પક્ષમાં નથી. સારી ગંધ માટે ‘સુગંધ’ અને ખરાબ ગંધ માટે ‘દુર્ગંધ’ જેવા અલાયદા શબ્દો છે જ, પણ આપણે બાપડા ‘ગંધ’ શબ્દની ઈમેજ બગાડી નાખી છે. ‘ગંધ’ એટલે ‘ખરાબ ગંધ’ એવું લગભગ રૂઢ થઈ ગયું છે!


અમુક શબ્દ પૂર્વગ યા તો પ્રિફિક્સના પ્રયોગ વગર જ ચોક્કસ અર્થ પ્રગટ કરી નાખે છે. ખરાબ સ્મેલની વાત કરતા હોઈએ ત્યારે ‘ગંધ’ની આગળ ‘દુ:’ પૂર્વગ મૂકવાનું કષ્ટ ન લો તો બિલકુલ ચાલે. ‘ગંધ’ અને ‘દુર્ગંધ’ આ બન્નો શબ્દો સમાનાર્થી બની ગયા છે. ‘વાસ’ શબ્દનું પણ એવું જ. સારી વાસ માટે ‘સુવાસ’ છે, પણ ખરાબ વાસ માટે ‘દુર્વાસ’ જેવો કોઈ શબ્દ નથી. વાસ એટલે જ ખરાબ વાસ.


આવો જ બીજો શબ્દ છે, ‘લાગણી’. ‘લાગણી’ એટલે સારી લાગણી એવું આપણે ઘણી વાર વગરકહ્યો સ્વીકારી લઈએ છીએ. ઉદાહરણ તરીકે, ‘મને બાપુજી માટે ખૂબ લાગણી છે,’ ‘આ તો લાગણીનો સવાલ છે.’ આ બન્નો વાક્યપ્રયોગોમાં ‘સારી’ શબ્દ અદશ્ય છે, કારણ કે એની જરૂર જ નથી. બાપુજી માટે સારી લાગણી જ હોય.


એ જ રીતે, સવાલ પણ સારી લાગણીનો જ હોય. સામે પક્ષે, જો વાત નકારાત્મક કે અભાવાત્મક ફિલિંગની હશે તો આપણે એને વ્યક્ત કરવા આખેઆખો શબ્દ વાપરીશું. જેમ કે, ‘રમેશમાં ધિક્કારની લાગણી જાગી,’ ‘અપમાનની લાગણી મહેશના રોમેરોમમાં પ્રસરી ગઈ..’


હવે ‘સંસ્કાર’ શબ્દ પર ઘ્યાન આપો. ‘સંસ્કાર’ એટલે ઘણું કરીને સારા સંસ્કાર. દષ્ટાંત જુઓ: ‘નિરાલીના સંસ્કાર એટલે કહેવું પડે..,’ ‘છોકરો જો સંસ્કારી હોય તો કરો કંકુના..,’ ‘એનું વર્તન તો જુઓ! મા-બાપે એને સંસ્કાર નહીં આપ્યા હોય?’


અહીં ‘સુસંસ્કારી’ કે ‘સારા સંસ્કારવાળો’ એવું અલગથી સ્પેસિફાય કરવાની જરૂર નથી. ‘સુસંસ્કાર’ કે ‘કુસંસ્કાર’ જેવા શબ્દો આપણે ત્યાં ખાસ વપરાતા પણ નથી. સંસ્કાર એટલે સારા સંસ્કાર, સિમ્પલ.


ઉપરના જ ઉદાહરણમાંથી વાત આગળ વધારીએ. છોકરો સારો અને સંસ્કારી હતો એટલે નિરાલીનાં માબાપે એની સાથે દીકરીનું સગપણ કર્યું. લજ્જાશીલ નિરાલી પોતાની જૂની સહેલીના ઘરે જાય છે અને વાતવાતમાં ધીરેથી, સહેજ શરમાઈને કહી દે છે,‘મારે તને એક ન્યુઝ આપવાના છે.. મારું પાક્કું થઈ ગયું!’


આ સાંભળતાં જ સહેલી ખુશખુશાલ થઈ જાય છે અને બોલી ઊઠે છે, ‘ઓહ ગ્રેટ.. કોન્ગ્રેચ્યુલેશન્સ!’ અહીં નિરાલી શું પાક્કું થઈ ગયું એ બોલતી નથી. લગ્ન વયે પહોંચેલી છોકરી ‘મારું પાક્કું થઈ ગયું’ એવું કહે ત્યારે વાત સગપણની જ હોય! નિરાલી ‘સગપણ’ જેવો ચાવીરૂપ શબ્દ જ વાક્યમાંથી ઉડાવી દે છે, છતાં ભાવ-પ્રતિભાવની આપ-લે તો થઈ જ!


આપણા સંબંધશાસ્ત્રમાં ‘પાટલાસાસુ’ શબ્દ ઘ્યાન ખેંચે એવો છે. પાટલાસાસુ એટલે પત્નીની મોટી બહેન. પત્નીની નાની બહેન ‘સાળી’ છે પણ મોટી બહેન સાસુની હરોળમાં બેસી જાય છે. આનો શો અર્થ થયો? પત્નીની નાની બહેનો સાથે મજાકમસ્તીભર્યો વ્યવહાર હોઈ શકે છે, પણ મોટી બહેનની મર્યાદા જાળવવાની છે, અંતર રાખવાનું છે.


બીજી બાજુ, પત્નીના ભાઈઓ માટે આવું કોઈ વિભાજન લાગુ પડતું નથી. પત્નીથી નાના કે મોટા બધા ભાઈઓ ‘સાળા’ જ છે. ‘પાટલા સસરા’ જેવો કોઈ શબ્દ ચલણમાં નથી. આમ, ફક્ત પત્નીની મોટી બહેન જ કંઈક વિશેષ, ઘ્યાનાકર્ષક હોદ્દો ધરાવે છે.


અમુક શબ્દો પોતાની સાથે બહુ જ સુંદર વિઝ્યુઅલ્સ લાવતા હોય છે. ‘સાંગોપાંગ’ આવો જ એક શબ્દ છે અને તેની ખૂબસૂરતી તેની સંધિમાં છે. સાંગોપાંગ એટલે સ+અંગ+ઉપ+અંગ. ચાર અક્ષરોવાળા એક કોમ્પેક્ટ શબ્દની સંધિ છૂટી પાડો એટલે ચાર અલગ અલગ શબ્દો બની જાય.


આ બહુ જાદુઈ લાગે એવું છે. જાણે એક મોટરગાડી ઊભી રહી અને એના ચારેય દરવાજામાંથી ચાર ભૂલકાં ટપ ટપ કરતાં એકસાથે બહાર કૂદી પડ્યાં. એમાંય બે તો પાછાં ટ્વિન્સ! આ શબ્દ સામે આવે એટલે ‘અનેકતામાં એકતા’ સૂત્ર મનના એક ખૂણામાં ક્યાંક સંભળાય. તે સાથે ગુણાકારની ગાણિતિક પ્રક્રિયા યાદ આવી જાય - એકમાંથી બે, બેમાંથી ચાર..


એટલું જ નહીં, જીવવિજ્ઞાનનું કોષવિભાજન પણ મનમાં સ્ફૂરી જાય. માત્ર એક શબ્દનાં દર્શનથી આટલી બધી ઈમેજીસ નજર સામે આવી જતી હોય તો એ કેમ વહાલો ન લાગે? એમ તો, ‘સાષ્ટાંગ’ શબ્દ ‘સાંગોપાંગ’થી નિકટનો લાગે. સાષ્ટાંગને છૂટો પાડો તો પણ ત્રણ જુદા જુદા શબ્દો બહાર આવે છે - સ+અષ્ટ+અંગ. તોય સાષ્ટાંગ સાંગોપાંગને તો ન જ પહોંચે. સાંગોપાંગ એટલે સાંગોપાંગ!


પ્રેમ અને ભાષાને કશુંય લાગેવળગે? પ્રેમની લાગણીને પ્રિયજનની ભાષા સાથે ભલે કંઈ લાગતુંવળગતું નથી એવું આપણે ‘એક દૂજે કે લિયે’ સહિતની કેટલીય ફિલ્મોમાં જોયું, પણ ‘પ્રેમ’ શબ્દ પર ભાષાની અસર ચોક્કસપણે થાય છે. ભાષા બદલાય એટલે લાગણીની અભિવ્યક્તિમાં ફેર પડી જાય.


અંગ્રેજી ભાષા એ રીત ખૂબ ‘પ્રેમાળ’ છે. અંગ્રેજીમાં ‘લવ’ શબ્દ છૂટથી વપરાય છે. તમે લવર અને વતનથી લઈને જૂતાં, કાર, વાંદરા બધાને પ્રેમ કરી શકો છો. આ રહ્યાં ઉદાહરણ: ‘આઈ લવ માય બ્રાઉન ટી-શર્ટ.. સો કમ્ફર્ટેબલ!’ ‘આઈ લવ માય કાર સો મચ!’


આ જ વાત ગુજરાતીમાં કરીશું તો ‘લવ’નું ‘લાઈક’ થઈ જશે. પ્રેમ કરવો નહીં, પણ ગમવું. હું મારા બ્રાઉન રંગના ટી-શર્ટને પ્રેમ નથી કરતો, પણ મને મારું બ્રાઉન રંગનું ટી શર્ટ ખૂબ ગમે છે. હું મારી કારને પ્રેમ નથી કરતો, પણ મને મારી કાર ખૂબ પસંદ છે, ગમે છે. આ તો નિર્જીવ વસ્તુઓ થઈ.


સજીવ માણસોને પણ આપણે પ્રેમ ઓછો કરીએ છીએ, ગમાડીએ છીએ વધુ. નાનો ટાબરિયો ઈંગ્લિશમાં કહેશે, ‘આઈ લવ માય મમ્મી!’ સંવાદ ગુજરાતીમાં ચાલતો હશે તો આપણે બાળકને એમ નહીં પૂછીએ કે બેટા, તું કોને વધારે પ્રેમ કરે છે - મમ્મીને કે પપ્પાને? આપણે પૂછીશું: બેટા, તને કોણ વધારે ગમે છે - મમ્મી કે પપ્પા?


ઈવન હિન્દી ભાષામાં પણ ‘પ્યાર’ શબ્દ આપણા કરતાં ઘણી વધારે છૂટથી અને સહજતાથી વપરાય છે. જેમ કે, ‘મૈં મમ્મી કો બહોત પ્યાર કરતા હૂં’ - આ હિન્દીમાં બહુ જ સહજ અભિવ્યક્તિ થઈ. કોણ જાણે કેમ આપણે ગુજરાતી જીભે પ્રેમ શબ્દ પ્રમાણમાં ઓછો ચડે છે.


કહે છેને કે ભાષા અને શબ્દો માણસની કે પ્રજાની તાસીરનું પ્રતિબિંબ પાડે છે. તો શું આપણે ગુજરાતીઓ પ્રમાણમાં ઓછી પ્રેમાળ પ્રજા છીએ? ગુંચવાઈ રહ્યા હો તો આ સવાલનો જવાબ આપો: બોલો, તમને આઈસક્રીમ ગમે છે કે તમે આઈસક્રીમને પ્રેમ કરો છો?

0 comments: