Pages

Sunday, December 11, 2011

ઉપનિષદ્‌નું અમૃત

આજે પ્રવર્તમાન નૈતિકતાના અભાવનું કારણ છે, ખામીભરેલી શિક્ષણ વ્યવસ્થા. આ શિક્ષણપ્રથાથી, વ્યક્તિ ધન-સમૃદ્ધિ, પદની પ્રાપ્તી કરી શકે છે, પરંતુ તેના જીવનમાં નૈતિકતાનો અભાવ જોવા મળે છે. તેથી તે સ્વાર્થી, લોભી અને સંવેદનશીલ બની જાય છે.
શિક્ષણનો સાચો અર્થ અપનિષદ બતાવે છે. કઠોપનિષદની આ ૠચા આપણને ઘણું ઘણું કહી જાય છે. ૠષિ કહે છે
‘‘હૂઁ વિદ્યે વેદિતવ્યે ઈતિ હસ્મ બ્રહ્મવિદો વદન્તિ પરા ચૈવાપરાચ. તમાપરા ૠગ્વેદો યજુર્વેદઃ સામવેદોઽર્થવેદઃ શિક્ષા કલ્પં વ્યાકરણં નિહક્તં છન્દો જ્યોતિષમિતિ અથ પરા યયા તદક્ષરોઽધિગમ્યતે’’’
બ્રહ્મવિદ્‌ (જ્ઞાનીઓ) બે વિદ્યા ભણવાનું કહે છે અપરા અને પરા. ચાર વેદ, છ વેદાંગ (શિક્ષા વગેરે) એ અપરા વિદ્યા છે અને પરા એટલે જેના દ્વારા અક્ષર- અવિનાશી આત્માની ઓળખાણ થઇ શકે છે.
આજના સંદર્ભમાં, ઉપાર્જન માટે જરૂરી એવી એન્જનીયરીંગ, મેડીકલ, કોમર્સ વગેરે અપરા વિદ્યા કહેવાય.
તેમાં નિષ્ણાત મનુષ્ય પોતાનો જીવન નિર્વાહ કરી શકે છે અને પોતાના આત્માને જાણવાની વિદ્યા એ પરા. જેના દ્વારા અન્ય પણ આપણા જેવા જ છે.
તેમના પ્રત્યે યોગ્ય બહાર રાખવો જોઇએ. પરા વિદ્યાનો જાણકાર આત્મવત્‌ સર્વભૂતેષુ- બધામાં મારા જેવો જ આત્મા છે- એ તથ્ય સમજી જશે.
પછી તે પોતાના લાભ માટે અન્યની હંિસા નહીં કરે, બીજાને છેતરશે નહીં કેમકે અન્યને નુકસાન કરવું એ પોતાને નુકસાન કરવા જેવું છે.
આવી વિદ્યા જાણનાર અન્ય જોડે મૈત્રી, કરુણા, મુદિતા, અને ઉપેક્ષા રાખશે. પોતાના કરતાં વધારે ગુણવાન સાથે મુદિતા, પોતાના જેવા સમાન સાથે મૈત્રી દુઃખી કે અજ્ઞાની પ્રત્યે કરુણા કે દયા અને દુશ્મનની ઉપેક્ષા કરશે. તેનામાં ઈર્ષ્યા નહીં હોય, માન-અપમાન, સુખદુઃખમાં સમાન હશે.
અપરા વિદ્યા પર આવું પરા વિદ્યાનું નિયંત્રણ નહીં હોય તો ભણેલો માણસ રાક્ષસ બનશે- સાક્ષરા વિપરીતા રાક્ષસા ભવનિત રાક્ષસ અને પોતાને માટે જ જીવનારો આ જ છે. અઘ્યત્મ વિદ્યા, આમાં કોઇ ધર્મ સંપ્રદાય આવે ખરો!
આજે પરા વિદ્યાના અભાવે નૈતિકતાનો હ્રાસ થયો છે. આજના મોટા મોટા કૌભાંડો કરનારાઓ શિક્ષિત છે. પણ પરા વિદ્યાના અભાવે રાક્ષસો બની ગયા છે.
૧૯૬૪-૬૬માં કોઠારી કમિશને પોતાની ભલામણોમાં ર્રનૈજૌબ ીગેબર્ચૌહ ની વાત કરી હતી. સર્વાંગીણ શિક્ષણની વાત કરી હતી. શારીરિક શિક્ષમ, બૌદ્ધિક શિક્ષણ, ભાવાત્મક શિક્ષણ અને આઘ્યાત્મિક શિક્ષણ.
દુર્ભાગ્યે આપણી શિક્ષણ નીતિ શિક્ષણ વિદોને બદલે સ્વાર્થી રાજકારણીઓ ઘડે છે. તેમણે માત્ર બૌઘ્ધિક શિક્ષણ પર જ ભાર મૂક્યો.
બાકીના શિક્ષણની અવગણના કરી પરિણામે આપણે નિષ્ણાતો તો પેદા કર્યા પણ માણસો પેદા થયા નહીં. જગતના બધા જ પ્રાણીઓ, મનુષ્ય, પશુ, પક્ષી, જળચર વનસ્પતિ દરેક પ્રત્યે સંવેદનશીલતા ગુમાવી દીધી છે. સંવેદનશીલતા એટલે જ આત્મ જ્ઞાન, એટલે જ તો શિક્ષિત લોકો બીજાને છેતરી શકે છે, કૌભાંડો કરી શકે છે. હત્યા કરી શકે છે.
આજના ભ્રષ્ટાચાર (ભ્રષ્ટ- આમરણનું) મૂળ આ સંવેદનશીલતાનો અભાવ છે. ભ્રષ્ટાચાર દૂર કરવો હશે તો ગમે તેવા કાયદાથી નહીં થાય. કાયદાઓ કાગળ પર જ રહી જશે. ઉપાય છે સંવેદનશીલતા જગાડવાનો. આપણે સમગ્ર ઘ્યાન આ બાબત પર આપવું પડશે.
આને માટે આપણા અભ્યાસક્રમોમાં ગીતા, ઉપનિષદને દાખલ કરવા પડશે તેના જેવું બીનસાંપ્રદાયિક શાસ્ત્ર બીજું છે જ નહીં.
આજની તાતી સમસ્યા ગરીબી હટાવવાની કે જીડીપી ગ્રોથ વધારવાની નથી તે છે આ સંવેદનશીલતા પાછી લાવવાની. અને તે કામ માત્ર શિક્ષણવિદો (શિક્ષણનું વ્યાપારી કરનાર શિક્ષણવિદો નહીં)ને જ સોંપવું પડે. તેનું સંચાલન નીતિ ઘડતર જૂના સમયના ૠષિકુળો પ્રમાણે કરવું પડે.
જ્યાં દુષ્યંત જેવો રાજા પણ કહે ‘‘વિનીતવેશેન પ્રવેષ્ટવ્યામિ તપોવનાનિ નામ’’ તોવનમાં વિનીતવેશમાં જ પ્રવેશ થઇ શકે. વિદ્યાધામોમાં ગુરુની જ શ્રેષ્ઠતા હોય. ત્યાં આવનાર નમ્રતાથી આવે.
જો આપણે દેશની કાયાપલટ કરવી હશે તો આ રીતે જ થઇ શકે. વિદ્યા માટે કેવા સૂત્રો છે તે જુઓ
સા વિદ્યા યા વિમુક્તયે
(વિદ્યા તે જે મુક્તિ અપાવે)
ન હિ જ્ઞાનેન સદશં પવિત્ર મિહ વિદ્યતે


(જ્ઞાન જેવું પવિત્ર કોઇ નથી)
જ્ઞાને ભારઃ ક્રિયાં વિના
જ્ઞાનને આચરણમાં ન મૂકાયનો ભારરૂપ છે.
સત્યમેવ જયતે (સત્યનો જય હો)
પ્રજાને અને શાસકોએ ફરીથી આ ઉપનિષદોના અઘ્યયન તરફ વળવાની પરમાત્મા સદ્‌બુદ્ધિ આપે.

આજે જીવન વિશે મૌલિક રીતે વિચારવાની આવશ્યકતા ઊભી થઈ છે.

જો તે નહિ કરી જાણીએ તો બરબાદ થઈ જઈશું
ગાંધીજી જેલમાં હતા ત્યારની વાત છે. જેલમાં કે જેલ બહાર તેમનો આહાર સાત્ત્વિક અને અલ્પ રહેતો. સવારના નાસ્તામાં તેઓ ફૂલાવેલાં દસ ખજુર લેતા હતા.
તે વખતે જેલમાં તેમની સાથે વલ્લભભાઈ હતા. તેમને વિચાર આવ્યા કરે કે આ દસ ખજુરમાંથી બાપુને શું શક્તિ મળશે?

પણ બાપુજી તો નિત જોખ્યો તોલ્યો આહાર લેનારા હતા. તેમને પૂછ્‌યા વિના તેમના આહારની માત્રામાં પણ કંઈ ફેરફાર કરી શકાય નહિ. પણ વલ્લભભાઈના મનમા ંબાપુજીના સ્વાસ્થ્યની ઘણી ચંિતા રહ્યા કરે એટલે એક દિવસ તેમણે બાપુજીના નાસ્તા માટે દસને બદલે પંદર ખજુર પલાળી દીધાં. વલ્લભભાઈને એમ કે ખજુર દસના બદલે પંદર થઈ જશે તેમાં બાપુજીને શી ખબર પડવાની? આમ ચાલી જાય તો બાપુજીને થોડીક વધારાની શક્તિ મળી રહેશે.
બાપુજી સવારે નાસ્તા માટે બેઠા ત્યારે તેમને લાગ્યું કે ખજુરમાં કંઈ વધારો થયો છે. તેમણે વલ્લભભાઈને પૂછ્‌યું, ‘‘તમે ગણીને ખજુર પલાળ્યાં હતા?’’
વલ્લભભાઈએ કહ્યું, ‘‘બાપુજી, અંદાજે ખજુર લીધાં હતાં.’’
ગાંધીજીએ કહ્યું, ‘‘જરા ખજુરની સંખ્યા ગણી જુઓ. કેટલી થાય છે?’’
વલ્લભભાઈ તો જાણતા જ હતા કે તેમણે દસને બદલે પંદર ખજુર લીધાં હતાં. છતાંય તેમણે ખજુર ગણીને કહ્યું ‘‘બાપુ! પંદર ખજુર છે. દસ અને પંદર ખજુરમાં શું ફેર પડવાનો? પાંચ ખજુર તે કંઈ ગણતરીમાં કહેવાય?’’
વલ્લભભાઈની વાત સાંભળીને ગાંધીજી વિચારમાં પડી ગયા. થોડીક વાર તેઓ કંઈ ન બોલ્યા. પછી તેમણે પંદર ખજુરમાંથી દસ ખજુર બાજુએ તારવીને અલગ કર્યાં અને પોતાના નાસ્તા માટેના પાત્રમાં ફક્ત પાંચ ખજુર રાખ્યાં. પછી તેમણે વલ્લભભાઈને કહ્યું, ‘‘તમારી વાત વિચારવા જેવી છે. પાંચ ખજુર કંઈ ગણતરીમાં ન ગણાય. જો દસના બદલે પંદર ખજુર થાય તો તેનો કંઈ ફેર ન પડે તો પછી દસના બદલે પાંચ ખજુર થાય તો પણ કંઈ ફેર નહિ વર્તાય.’’
બાપુજીની વાત સાંભળીને વલ્લભભાઈ વિમાસણમાં પડી ગયા. તેમને થયું કે કરવા ગયો સારું, પણ આ તો ઊલટું પડ્યું. તેમણે ગાંધીજીને સમજાવતાં કહ્યું, ‘‘મને એમ કે તમે નાસ્તામાં પાંચ ખજુર વધારે લો તો તમને વધારે શક્તિ મળે. તમારે માથે આખા દેશની ચંિતાનો ભાર છે. પણ મને એવો તો ખ્યાલ જ નહિ કે તમે વાતને આ રીતે લેશો.’’
ગાંધીજીની દિનચર્યામાં બીજો પણ એક એવો પ્રસંગ આવે છે. તેઓ રોજ સવારે ગરમ પાણીમાં લીંબુ નીચોવીને તેમાં મીઠું કે એવું કંઈક નાખીને પીતા હતા. તે માટે પાણી ગરમ કરવામાં આવતું, પણ જો પાણી વધારે ગરમ થઈ ગયું હોય તો તેને થોડુંક ઠરવા દેવું પડતું. એક વખત પાણી વધારે ગરમ થઈ ગયું હશે તેથી તેમાંથી વરાળ વધારે નીકળતી હતી. તે જોઈને ગાંધીજીએ કહ્યું - ‘‘પાણીના વાસણ ઉપર કંઈ ઢાંકો. થોડીક વાર પછી પાણી જરા ઠરશે એટલે હું તે લઈશ.’’
તે વખતે મહાદેવભાઈ દેસાઈ તેમની સાથે હતા. તેમણે ગાંધીજીને કહ્યું, ‘‘બાપુજી! હું પાસે જ બેઠો છું. પાણીમાં કંઈ ન પડે તેનો ખ્યાલ રાખું છું.’’
ગાંધીજીએ કહ્યું, ‘‘પાણીમાં કંઈ પડવાનો પ્રશ્ન નથી પણ પાણીમાંથી જે વરાળ નીકળી રહી છે તેને કારણે તેની ઉપરની હવામાં રહેલા કેટલાય સૂક્ષ્મ જીવો, આ વરાળનો સ્પર્શ થતાં મરી જતા હશે તેની હું ચંિતા કરું છું.’’
આવો એક પ્રસંગ અલ્હાબાદમાં ઉપસ્થિત થયો હતો. ગાંધીજી મોતીલાલ નહેરુને ત્યાં અતિથિ હતા. સવારમાં હાથ-મોં ધોવા માટે ગાંધીજીએ લોટામાં પાણી લીઘું અને તેનાથી હાથ-મોં ધોયાં. ગાંધીજીને કસરથી પાણીનો ઉપયોગ કરતા જોઈને શ્રી જવાહરલાલ નહેરુએ કહ્યું, ‘‘બાપુજી! અહીં તો ગંગા વહે છે. પાણીની કંઈ ખોટ નથી. તમે વિના સંકોચે પાણીનો ઉપયોગ કરો. તેથી કંઈ ગંગાનાં પાણી ખૂટવાનાં નથી.’’
ગાંધીજીએ કહ્યું, ‘‘આમાં ગંગાનાં પાણી ખૂટવાનો પ્રશ્ન નથી. ગંગામાં ગમે તેટલાં પાણી હોય પણ મારે તેમાંથી જેટલું જોઈતું હોય તેટલું જ લેવાય. ગંગાના પાણી ઉપર સૌનો અધિકાર છે. જરૂર કરતાં વધારે પાણી હું વાપરું તો હું દેશનો ગુન્હેગાર ઠરું.’’
ગાંધીજીના જીવનમાં આવી કેટલીય નાની નાની બાબતો જોવા મળે છે - જે ઉપર ઉપરથી આપણને સામાન્ય લાગે પણ તે બાબતોએ જ ગાંધીજીના જીવનનું ઘડતર કર્યું હતું.
વાસ્તવિકતામાં આવા નાના નાના પ્રસંગો ગાંધીજીના ચિત્તમાં ચાલતા વિચારોનું પ્રતિબંિબ પડતું હતું. ગાંધીજીને જો મહાત્મા બનાવનાર કોઈ વાત હોય તો તેમનું જીવન વિશેનું મૌલિક ચંિતન. ગાંધીજીએ ઢગલાબંધ પુસ્તકો વાંચ્યા ન હતાં, પણ મારે શું જોઈએ અને દેશને માટે શું ઇષ્ટ રહેશે તે વાતે તે ઘણા સ્પષ્ટ હતા.
એક રીતે તે વર્ષો ગાંધીજીના સાધનાકાળનાં વર્ષો હતાં. તે વખતે તેઓ અનાસક્તિ, અપરિગ્રહ, અહંિસા ઈત્યાદિ વાતો ઉપર ગહન ચંિતન કરતા હતા. તેની અભિવ્યક્તિ તેમના વ્યવહારમાં પણ થયા કરતી હતી. ગાંધીજીના જીવનમાં સૌથી વધારે ઘ્યાન ખેંચે તેવી વાત હતી તેમનું મૌલિક ચંિતન અને તેને અનુરૂપ તેમનું જીવન. તેમના વિચારો અને આચારો વચ્ચે ખાસ અંતર રહેતું નહિ જેને કારણે બહુજન સમાન તેમને અનુસરવા માટે તત્પર થઈ ગયો.
આજે આપણે જીવન વિશે મૌલિક રીતે ઓછો વિચાર કરીએ છીએ.
આપણે માટે શું યોગ્ય છે તે વિશે વિચાર કરવાને બદલે આપણે દેખા-દેખી જીવવા માંડ્યું છે.
આજે આપણે વસ્તુઓ પાછળ આંધળી દોટ મૂકી છે. જીવનની મૂળભૂત વાતો વીસરી જઈને-તેની અવગણના કરીને આપણે અન્ય દેશો સાથે સ્પર્ધામાં ઊતર્યા છીએ.
આ દોડ આપણને ક્યાં લઈ જશે તેનો પણ વિચાર કર્યા વિના આપણે દોડ્યા કરીએ છીએ. એમાંથી કોને લાભ થશે - કેટલાને લાભ થશે તેનો વિચાર કરવા પણ આપણે થોભતા નથી. શું આપણે આબાદીના માર્ગે જઈ રહ્યા છીએ કે બરબાદીના માર્ગે એ વિચારવા આજે કોણ તૈયાર છે! પરિણામે આપણે સ્વસ્થતા અને શાન્તિ ઝડપથી ગૂમાવી રહ્યા છીએ.
આ સંજોગોમાં સમગ્ર દેશને બચાવવાનું આપણું ગજું ન હોય તો છેવટે આપણી જાતને બચાવી લઈએ - આપણા સ્વજનોને બચાવી લઈએ તો પણ ઘણું. આજે જીવન વિશે મૌલિક રીતે વિચાર કરવાની અત્યંત આવશ્યકતા ઊભી થઈ ગઈ છે. જો તે નહિ કરી જાણીએ તો અંતે આપણા હાથમાં હતાશા અને નિરાશા સિવાય બીજું કંઈ નહિ આપે.

દુર્જનોથી દૂર રહેવામાં જ ભલાઈ છે.

હંસના વડિલોએ તે યુવાન હંસને કાગડાની દોસ્તી તોડી નાંખવા
ઘણી વખત સમજાવ્યો કે તું આ દુષ્ટ કાગડાને ઓળખતો નથી

તે તને કોઈ વખત હેરાન કરશે
અર્થાત્‌ સાપને તમે ગમે તેટલું દૂધ પાઈને ઉછેરો છતાંય તે તમારી સામે ઝેર ઓકશે, કારણકે સાપનો જન્મજાત સ્વભાવ જ ડંખ મારવાનો છે. તેથી તમે તેમાં કોઈ સુધારો કરી શકવાનાં નથી.
આ દ્રષ્ટાંતનો મતલબ માનવજાત સાથે સંકળાયેલો છે. દુનિયામાં બે પ્રકારનાં માનવો જોવા મળે છે, સજ્જન અને દુર્જન. સજ્જનો ક્યારેય તેમની સજ્જનતા ચૂકતા નથી અને દુર્જનો ક્યારેય તેમની દુષ્ટતા છોડતાં નથી. દુષ્ટ અને દુર્જન માણસને બીજાને કનડવામાં એક પ્રકારનો વિકૃત આનંદ આવતો હોય છે.
દુર્જન વ્યક્તિ કોઈ પણ સ્થળે સખણો રહી શકતો નથી.
દુર્જનથી સામી વ્યક્તિનું સુખ ખમી શકાતું નથી. આના માટે હંસ તથા કાગડાની દ્રષ્ટાંત કથા સમજવા જેવી છે.
એક ગામમાં એક હંસ તથા એક કાગડો રહેતાં હતાં. બન્નેનો માળો સામસામે હતો તેથી કાગડા તથા હંસ વચ્ચે મિત્રતા બંધાયી હતી. હંસ સજ્જન હતો. જ્યારે કાગડો દુર્જન હતો.
હંસના વડિલોએ તે યુવાન હંસને કાગડાની દોસ્તી તોડી નાંખવા ઘણી વખત સમજાવ્યો કે તું આ દુષ્ટ કાગડાને ઓળખતો નથી તે તને કોઈ વખત હેરાન કરશે. પરંતુ તે હંસે વડિલોની કોઈ સલાહ કાને ધરી નહીં અને કાગડા સાથે મિત્રાચારી ચાલું રાખી.
એક વખત એક પથિક મુસાફરીથી થાકીને બપોરના સમયે લીમડાની નીચે સૂતો હતો.
તે લીમડાની ડાળીએ હંસ બેઠો હતો અને તેણે જોયું કે સૂતેલા મુસાફરના મોંઢા ઉપર સૂરજનો સીધો તડકો પડે છે તો હું થોડીવાર મારી પાંખો ફેલાવીને થોડો છાંયો કરૂ તો તે મુસાફર શાંતિથી સૂઈ શકે, આમ વિચારીને હંસે પોતાની બન્ને પાંખો ફેલાવી દીધી.
અચાનક ત્યાં પેલો દુર્જન કાગડો આવી ચઢ્‌યો અને હંસની બાજુમાં બેસી ગયો. દુષ્ટ કાગડાએ જોયું કે હંસ પોતાની પાંખો ફેલાવીને અજાણ્યા મુસાફરને છાંયો આપે છે, તેથી તે ઈર્ષ્યાથી બળી ગયો.
દુષ્ટ કાગડાએ હંસને કહ્યું કે શા માટે તું પોતે તકલીફ વેઠીને એક અજાણ્યા મુસાફરને છાંયો આપે છે? હંસે કીઘું કે મારે ક્યાં આખી જંિદગી તકલીફ લેવાની છે, આ મુસાફર તો ઘડીભર થાક ખાઈને પોતાના રસ્તે ચાલ્યો જશે.
દુષ્ટ કાગડાથી આ ખમાયું નહીં તેથી તેણે હંસને ખબર ના પડે તે રીતે પેલા પથિકના મોંઢા ઉપર ચરક કરી અને ધીમેથી પલાયન થઈ ગયો.
બીજી તરફ પોતાના મોંઢા ઉપર ચરક પડવાથી પથિક સફાળો જાગી ગયો અને ગુસ્સે ભરાઈ ગયો. પથિકને લાગ્યું કે આ હંસે જ મારા મ્હોં પર ચરક કરી હોય તેવું લાગે છે એવું વિચારીને હંસને સજા કરવાના ઈરાદાથી પથિકે પાસે પડેલો પથરો ઉપાડીને હંસ તરફ ફેંકીને હંસને ઘાયલ કરી નાંખ્યો.
આમ હંસ પોતે સજ્જન હતો પરંતુ કાગડા જેવા દુષ્ટ પક્ષી સાથે દોસ્તી કરવાથી હંસને માઠું પરિણામ ભોગવવું પડ્યું.
તેવી જ રીતે સાપ પણ દુષ્ટ કે દુર્જન પ્રાણીની કક્ષામાં જ આવે છે તેથી તમે સાપ પ્રત્યે ગમે તેટલી સહાનુભૂતિ બતાવો કે તેને દૂધ પીવડાવો, પરંતુ તે વખત આવ્યે તેના જન્મજાત સ્વભાવ ઉપર આવી જાય છે અને પોતાને ઊછેરનારને જ ડંખ મારે છે. તેવી જ રીતે દુર્જન વ્યક્તિ પ્રત્યે તમે ગમે તેવો સદ્‌ વર્તાવ કે સદ્‌ વ્યવહાર કરો કે તેની સાથે નરમાશથી કે સૂલુકાઈથી વર્તશો છતાંય તે કદીપણ એની દુષ્ટતા છોડશે નહીં અને વખત આવે કૂતરાની માફક તમને ડાઘિયું કરી લેશે. જેમ એક પાત્રમાં કસ્તૂરી અને બીજા પાત્રમાં હીંગ મૂકી બન્નેને બાજુબાજુમાં મૂકવામાં આવે તો કસ્તૂરીની સુવાસ ક્યાંય અલોપ થઈ જશે અને વાતાવરણમાં હીંગની બદબૂ ફેલાવા લાગશે. દુર્જન વ્યક્તિને તમે ગમે તેવી સારી પદવી ઉપર બેસાડશો છતાંય તેની વિચારસરણીમાં કોઈ ફરક પડવાનો નથી ઊલટાનું પોતાની સત્તાનો અતિરેક થતાં મદથી છલકાઈને ગમે તેવી દુષ્ટતા આચરશે, ન બોલવાનું બોલશે અને સજ્જન વ્યક્તિનું અપમાન કરતાં પણ ખચકાશે નહીં. માટે આપણે દુર્જન વ્યક્તિ પાસેથી સારા કામની આશા કે અપેક્ષા રાખવી નકામી છે.
તમે દુર્જન વ્યક્તિ ઉપર ગમે તેટલાં ઉપકાર કરશો કે તેનાં દશ કામ કરી આપશો તો પણ એ એની અસલિયત છોડશે નહીં.
આથી એક કવિએ લખ્યું છે કે દુર્જનો તથા કાંટાઓનો સામનો બે રીતે કરવો જોઈએ એક તો જોડાંથી તેમનું મોંઢું ભાંગી નાંખવું અથવા તેનાથી દૂર રહેવું.
અહીં અમુક વ્યક્તિઓ સંમત થતાં નથી અને એવી દલીલ કરે છે કે દુર્જન તો દુર્જન જરૂર છે, પરંતુ એને જોડું મારીને શા માટે આપણે તેના જેવા અધમ બનવું ? એના કરતાં દુષ્ટ દુર્જનની સાથે રહેવા કરતાં એનાથી દૂર જ રહેવામાં આપણી ભલાઈ છે.
આમ ક્યારેક નાના નાના દ્રષ્ટાંતો આપણાને સારો સબક શીખવી જાય છે અને આપણે એમાંથી પ્રેરણા લેવી જોઈએ.

‘દીક્ષા’માં ગુરૂ કંઠી કેમ પહેરાવે છે?

ગુરૂ દ્વારા પહેરાવવામાં આવતી ‘કંઠી’માં પ્રભુનો આવિર્ભાવ થાય જ !
શરીરના પોષણ માટે અન્નની જરૂર છે તેમ આત્માના પોષણ માટે ધર્મ-કર્મ અને શ્રદ્ધાની જરૂર છે. ભારતમાં દેવતાઓના અનેક સ્વરૂપો છે. માન્યતા મુજબ બત્રીસ કરોડ દેવતાઓ છે.
બધાના જુદા જુદા ચાહકો ભક્તો છે. પ્રત્યેક દેવને પોતાનું વાહન અને અમુક વસ્તુઓ વહાલી છે.
ગણપતિને ઉંદર વહાલો છે. ગરૂડ વિષ્ણુને વહાલુ છે. ભગવાન શ્રી કૃષ્ણને મોરપંિછ વહાલું છે. શ્રીજીબાવાને વૈષ્ણવ ભક્તો વહાલા છે. એટલે તો....
આવો વૈષ્ણવો ! કહી ‘હસ્ત’ને ઉચો રાખે છે. શ્રીજી બાવાને તિલક કરેલો વૈષ્ણવ ખુબ ગમે છે.
પ્રભુને ઠાકોરજીને ભક્ત વહાલો છે તેમાંય તિલક અને કંઠી પહેરીને હવેલીમાં આવે તો પ્રભુ રાજી રાજી થાય છે. પ્રભુને કંઠી પહેરેલો વૈષ્ણવ તીલક ખુબ જ ગમે. તીલક એ વૈષ્ણવી અને વૈષ્ણવતાનું પ્રતિક છે.
માળા એ પુષ્ટિમાર્ગમાં સેવાનું પ્રતિક અને એક ભક્તિનું અંગ માનવામાં આવે છે. માળા સમજપૂર્વક કરવામાં આવે તો મોક્ષની સીડી બની શકે છે.
જેમ માળા ના ૧૦૮ મણકા પ્રભુના દ્વારા ખોલી દે તેમ ‘કંઠી’ એ સાક્ષાત્‌ પ્રભુનું સ્વરૂપ છે.
મહામુલો દેહ મળ્યો છે તેને અલંકારથી ભલે શણગારીએ પણ ‘કંઠી’ તો ગળામાં જરૂર અંગીકાર કરીએ. જન્મ જન્માંતર ના દેહને પ્રભુની પ્રિય એવી કંઠી થી શણગારીએ એ દેહની શોભા છે.
આ દેહ ઠાકોરજીનો છે. ભગવદ્‌ અર્પિત છે તેના પ્રતિક રૂપે કંઠી પહેરીએ. ઠાકોરજીની બીજી મૂર્તિ એટલે જ કંઠી.
સવારના નિત્ય જાગતાં કોઈ છબી ઠાકોરજીની ન મળે અને કંઠી ના દર્શન કરી લઈએ તો ઠાકોરજીનાં દર્શન કર્યાં ગણાય. કંઠી ભગવદ્‌ ભક્તિ શરણનું પ્રતિક છે.
કંઠી એ અલંકાર નથી તુલસી પ્રભુને પ્રિય છે. તેમને તુલસી પત્ર વિના ચાલે નહિ.
સત્યનારાયણના પ્રસાદમાં તુલસીપત્ર ન હોય તો પ્રસાદ અઘુરાં બને. તુલસીપત્ર દેહ ઉપર ન મૂકાય એટલે આપણને તુલસીજીની કંઠી ગળામાં આપી ભગવાને દેહને પવિત્રતા આપી છે. દેહને શણગાર્યો છે. તુલસીની કંઠી ભક્તિનું પ્રતિક છે. ભગવત દેહનું પ્રતિક છે.
પ્રભુ ! આપની યાદ તાજી રહે કંઠી થકી ન કંઈ ખરાબ કૃત્ય થાય કંઠી થકી. કંઠી પહેરેલો માણસ ખરાબ કામ કરતાં અચકાશે.
વારંવાર ગળામાં ખુંચતી કંઈક ઠાકોરજીનું સ્મરણ કરાવશે. તુલસીની કંઠી ગુરૂ બ્રહ્મસંબંધ દીક્ષા આપે ત્યારે પહેરાવે છે.
ઠાકોરજીની સાક્ષીએ તે બ્રહ્મસંબંધ આપી બોલે છે મેં ઠાકોરજી સાથે હવે તારો સંબંધ બાંઘ્યો છે તું ઠાકોરજીનો થયો હવે તું વૈષ્ણવ બનજે. સેવા કરજે.
તુલસીની કંઠીનું જતન કરવું એ વૈષ્ણવનું કર્તવ્ય છે. વૈષ્ણવોને ઠાકોરજીએ જેટલી જ કંઠી વહાલી છે.
કંઠી એ પ્રભુના ચરણારવંિદની ભક્તિ કરાવે છે. ગોકુલનાથજીએ તો માલા તિલકના રક્ષણહાર તરીકે મોગલ સામ્રાજ્યમાં કામ કર્યું છે. તુલસીની કંઠી પહેર્યા વિના જે સેવા કરે તેની સેવા પ્રભુ માન્ય રાખતા નથી. તુલસી ભગવદીય છે.
દ્વારકામાં દ્વારકાધિશ પ્રભુને કરોડોના હાર શૃંગારરૂપે પહેરાવવામાં આવે છે પણ આ બધા રત્ન જડિત હાર ઉપર તુલસીજીની કંઠી રાખવામાં આવે છે.
તુલસીજીના વિવાહ પ્રભુ સાથે આથી જ થાય છે.
તુલસીદળ વિના પ્રભુ છપ્પનભોગ આરોગતા નથી. ‘ગુરૂ’ આગળ તુલસીની કંઠી પહેર્યા વિના જવાથી આશીર્વાદ સફળ ન પણ થાય.
કંઠી પહેરી કોઈ ઓફીસમાં જઈએ તો આ ભગવદીય છે તે જુઠું કાર્ય કરે નહીં તેવું માનવી કાર્ય થઈ જાય. ‘કંઠી’ના પ્રત્યેક ધર્મનો અલગ અલગ નિયમો અને રંગ હોય છે.
તેના અનેક પ્રકાર ભલે હોય પણ ધર્મનું શરણ આ કંઠી આપે જ છે.
કંઠીમાં આવતી બે શેર યુગલ સ્વરૂપોને શરણે જવાનો નિર્દેષ કરે છે. તુલસીની કંઠી એ આયુર્વેદની દ્રષ્ટિએ આઘ્યાત્મિક ગુણોવાળી વનસ્પતિ ગણવામાં આવે છે.
કંઠી કહે છે કે ‘હું પ્રભુના શરણાગતિ’નું પ્રતિક છું.
ગુરૂ જ્યારે દીક્ષા આપે ત્યારે જુના પાપો દોષ થાય ‘મંત્ર’ બોલે ત્યારે કંઠીમાં ઠાકોરજીનો વાસ થઈ જાય. એટલે જ કંઠીમાં ઠાકોરજી નિત્ય બિરાજે છે. તેને સામાન્ય માળા ન સમજવી. કંઠીમાં દિક્ષા દ્વારા પ્રભુનો આવીર્ભાવ થાય.

એક બે ને સાડા ત્રણ

‘વહેવાર’માં વચેટિયાના કારસ્તાન

વડીલની ઇચ્છા હતી કે એ એમની સાથે આવો ‘ખેલ’ ખેલનાર પેલા અંગતજનને એનું કારણ પૂછે ! પણ, પછી પૂછવાની નિરર્થકતા સમજીને એમને જાતે જ વિશ્વ્લેષણ કર્યું. અને એમને આવું કરનારનો હેતુ સાવ સ્પષ્ટ સમજાઈ ગયો ! એમાં રહેલા એમનો સ્વાર્થ સિદ્ધ કરવાના ભાવને એ ઓળખી શક્યા.
વડીલ આમ તો સ્વભાવે શાંત છે, પણ આજે ગુસ્સામાં હતા. કોઈના લગ્ન પ્રસંગે યોજાયેલા સત્કાર સમારંભમાંથી પાછા આવ્યા હતા. ગુસ્સાનું કારણ ઘ્યાન ખેંચે તેવું હતું. જાણ્યા પછી લાગ્યું કે, આવું ય બની શકે !!

લગ્નમાં એમને મળેલા એમના એક જ્ઞાતિબંઘુએ એમને આ વાત કરી. વર-કન્યાને શુભેચ્છા આપીને વડીલ મંચ પરથી નીચે ઊતર્યા ત્યાં આ જ્ઞાતિજન મળી ગયા. એમણે કહ્યું કે, કન્યા કેવી લાગી ? વડીલ કૈં સમજવા નહીં. સહજ ભાવે જ વખાણ કર્યા, ત્યાં બીજો સવાલ થયો ઃ વરરાજા કેવા લાગ્યા ? વડીલે ખુલ્લાદિલે પ્રશંસા કરી. ત્યાં જ્ઞાતિબંઘુએ ધડાકો કર્યો. જો આટલો સારો છોકરો હતો તો જવા શું કામ દીધો ? હવે વડીલ મૂંઝાયા. એમનીય પરણવાલાયક દીકરી હતી અને એ પણ એને માટે જીવનસાથી શોધતા જ હતા. પોતે જ્ઞાતિમાં પ્રતિષ્ઠિત અને સુખી પણ ખરા. એમના ઘરનો મોભો પડે. આબરુદાર માણસ. પાંચમાં પૂછાય. આવો સવાલ સાંભળીને સંકોચાયા. પણ, જ્ઞાતિજને પેટ છૂટી વાત કરી.
વાત કૈંક આવી હતી.
વડીલની દીકરી માટે આજ છોકરાનું માંગુ, છોકરાના બાપે નાંખેલું. એ લોકોની ઇચ્છાય બહુ હતી. ને દીકરી છેય એવી ! જ્યાં જાય ત્યાં પરિવારને ઉજાળે એવી. વરરાજાનેય છોકરી ગમતી હતી. આથી જ વાત નાખેલી. વડીલના જ કોઈ અંગતને મઘ્યસ્થી રાખેલા. એમના દ્વારા સંપર્ક કરવાનું ગોઠવેલું. વડીલનેય આ અંગત વ્યક્તિ પર વિશ્વાસ. ભાગ્યે જ કૈં છાનું રાખે એવો નજીકનો સંબંધ પણ કોણ જાણે કેમ, આ નિકટની વ્યક્તિએ વડીલના કાન સુધી આ વાત જવા જ ન દીધી. વરના પરિવારજનો પૂછે તો એ ટાળે. બ્હાના બતાવે. મુદ્દત નાખે. ને પછી એકવાર બારોબાર જ કહી દીઘું કે છોકરીવાળાને ફાવે એવું નથી ! એમને તમારામાં રસ નથી. એમની વાત તો બહુ મોટા પરિવારમાં ચાલે છે. કરોડોપતિ પાર્ટી છે. તમારો અહીં ગજ વાગે એવું નથી, પ્રયત્ન કરવો રહેવા દો. આશા જ ન રાખશો વાત નહિ બને !
વડીલનું સામાજિક સ્થાન હતું પણ મોભાદાર એટલે આવું કોઈ માંગું આવ્યું હોય એમાં નવાઈ પણ નહોતી. છોકરાએ ને એના કુટુંબીજનોએ મન વાળી લીઘું. પોતાની હેસિયત પ્રમાણેનું ઘર શોધી લીઘું. એય પેલા મઘ્યસ્થી ભાઈએ જ બતાવ્યું ને વર-કન્યાનું ગોઠવાઈ ગયું !
વડીલે આખી વાત જાણી ત્યારે એમને બહુ નવાઈ લાગી. પરણી ગયા એમને તો આશિષ જ હોય, પણ પોતાની સાથેની આવી ‘રમત’ એમને ન સમજાઈ. સારો છોકરો હાથથી ગયો એનો ગુસ્સોય આવ્યો. એમને પોતાની સાથે થયેલી આ બનાવટ અને એને લીધે પોતાને થયેલ નુકસાન બરાબર ના ખટક્યા હતાં.
વડીલના અંગત મિત્ર, મઘ્યસ્થીની જવાબદારી ઉપાડનારે બારોબાર જ વહીવટ કરી નાખેલો ! આ પણ એક કમાલની વાત રીત છે. અજબ ચાલાકી છે. જેનું પત્તું કાપવાનું હોય એના માટે ખરાબ બોલ્યા વગર, એમના વખાણ કરીનેય એમને ચિત્રમાંથી હટાવી શકાય. તમને અનુકૂળ નથી, ફાવે એમ નથી, રસ નથી. તમારા સ્તરને શોભે એવું નથી, તમને સમય નથી, તમે બહુ વ્યસ્ત છો....વગેરે એવાં કારણો છે કે જેને કોઇ પડકારવા કે ચકાસવા ન જાય. પૂછવા ન જાય. સાંભળનાર એને સાચું જ માને. તમારા સ્થાન અને મોભાનો મહિમા કરીને જ તમને રખડાવી મારે ! વાત કરે તમારા વટની અને કરી નાખે પોતાના લાભ પ્રમાણેનો વહીવટ !
વખાણ કરીને મારવાની આ શૈલીનો ભોગ બનનાર પણ ક્યારેક તો એનાથી સાવ અજાણ જ રહી જાય ! એને કદાચ, કદીય ખબર જ ન પડે કે પડદા પાછળ શું રંધાયું ! ગંધ આવે તો ફરિયાદ કરો ને ! આ તો સુગંધ ફેલાવીને ગુંગળાવી મારવાની ચાલાકી ! તમારી નંિદા થાય, તમારું ઘસતું બોલાય તો તો જરુર કોઈક ને કોઇક તમને એની જાણ કરે, ને તમને તક મળે વાંધો-વિરોધ નોંધાવવાની સામો સવાલ પૂછવા જવાની ને જરુર પડે ઝગડો ય કરવાની પણ, આ તો કોથળામાં પાંચ શેરી ! ફૂંક ફૂંકે ફોલી ખાવાની શૈલી ! તમારી સાથે, તમારી પાસે, તમારી સામે રહીને જ તમારા પગ નીચેથી ચાદર ખેંચી લેવાની ! પીઠ પાછળ ઘા કરવાની, દગાબાજી કે વિશ્વાસઘાતની આ સુંવાળી રીત છે. છેતરાયા કે બનાવટ થઈ કે દગો કર્યો એવો ભાવ તો થાય પણ લડવા ન જવાય. નુકસાન થઈ જાય ત્યાં સુધી એની જાણ જ ન થાય. લાખ ઈચ્છા છતાં તમને આમંત્રણ આપવા માંગનાર લાચાર ! તમે છો જ એવી પ્રતિભા કે વ્યસ્ત હોઈ શકો ! તમને અન્યના આયોજન નાના લાગી શકે ! તમારો ભાવ એવો હોઇ શકે કે તમને બોલાવવાનું માંડી વાળવું પડે !
તમારી પ્રતિભાના સ્વીકારની, એના માટેના આદરની, એનો મહિમા કરવાની સાથો સાથ તમને અવગણવાની, તમારી ઉપેક્ષા કરાવવાની સફળ વ્યૂહરચના રમાઈ શકે. અને તમને એની જાણ જ ન થાય. ક્યારેક કોઇક સંકોચવશ પણ સ્પષ્ટતાથી વાત કરે ત્યારે સત્ય બહાર આવે પણ ત્યારે તો પ્રસંગ આટોપાઈ ગયો હોય ! મઘુરજની પછી મુરતિયાની વાત કરીને ય શું ?
વડીલની અકળામણ વધતી જતી હતી. આ રીતે કોઈ એમને બાકાત કરી દે એ વાત એમને માટે આંચકા જેવી હતી. એમનું પાનું કાપનારે એમને માટે જરાય કડવાશ નહોતી ઉચ્ચારી. એમનાં વખાણ જ કર્યા હતા ! એમની અપ્રાપ્યતાનાં કારણમાં એમની પ્રતિષ્ઠા, વ્યસ્તતા, એમનું સામાજિક સ્તર, એમની સિદ્ધિ, એમની બરોબર ન હોવાનુંય કારણમાં જણાવી દીઘું હતું ! બારોબાર ! મેં એમને શાંત પાડવા પ્રયત્ન કર્યો અને પેલી જૂની ને જાણીતી આશ્વાસન પદ્ધતિ ઉપયોગમાં લીધી. હશે જે જેનું ભાગ્ય આપણી દીકરીને એનાથીય સારું મળશે. વડીલને પણ એ વિષે શંકા નહોતી જ. એમને પોતાની કક્ષા, ક્ષમતા ને દીકરીની પાત્રતા વિષે શંકા નહોતી. એમને માત્ર પોતાને સાવ અંધારામાં રાખીને મૂર્ખ બનાવાયા એનું દુઃખ તો હતું જ, પણ, એથીય વઘુ દુઃખ એ વાતનું હતું કે સામેનો પરિવાર-છોકરાવાળા એમના વિષે કેવું વિચારતા હશે ?! એમને અભિમાની ગણતા હશે ? એમને પોતાનું અપમાન થયાનું લાગ્યું હશે ? એમના યોગ્ય મુરતિયાની અવગણના કરવા પાછળ આપણી દીકરી વિષે એ કૈં ખોટું ધારશે ?
ને આ બઘું જ બની શકે. સમાજમાં તો આવું બનતું જ હોય છે. ભલે અન્ય બાબતોની સરખામણીમાં વત્તા-ઓછા ગણાતા હશે, પણ, જ્ઞાતિમાં તો સહુ સરખા. વહેવારની વાતે, અણગમતુંય રડવું લાગે તેમ, ન બોલાય. એમાં તમારું ગૌરવ નહિ એ તમારો અવિવેક ગણાય.
વડીલે સાચું વિચાર્યું હતું. સામેના પક્ષવાળા શું માનતા હશે ? અને હવે સ્પષ્ટતા કરવા જવાનોય શું અર્થ ? ઉપરથી ગેરસમજ વધે વાત બગડે. કોઈને લાગે કે દીકરીનું ક્યાંય થતું નથી એટલે નાક રગડતા આવ્યા ! આવું માનનારાય હોય ! પોતાનો પ્રસંગ સારી રીતે પૂર્ણ થયાનો આનંદ હોય, એ વખતે આવું માનવાનુંય મન થઈ આવે ! અંદર થોડીક અહંકાર-પુષ્ટિ ય જાગે !
વડીલ સાથે વાત કરતી વખતે એક જાણીતી રમૂજ પણ મનમાં આવી જેમાં મિત્રને પરણાવવા ઉત્સુક મિત્ર થોડુંક વધારીને કહેવાના ઉત્સાહમાં સામાન્ય ઉધરસને ટી.બી. સુધી પહોંચાડી દે છે ! આ પણ એક રીત છે. નુકસાન પહોંચાડવાની ! તમને આમંત્રણ ન આપવાના કારણમાં આવુંય બને તમે બીમાર હો તો તમને કઈ રીતે બોલાવવા ? તમનેય તકલીફ પડે ને તમને બોલાવનારનેય સતત ચંિતા રહે. તમને અગવડ પહોંચાડવાનું મન તમારા પ્રેમીને તો ન જ હોય ને ! અને જો બોલાવે ને તમારી તબિયત બગડે તો એનો તો પ્રસંગ બગડે ને ! અને રોગ ચેપી હોય તો ? અને તમને જે માટે આમંત્રણ આપવું હોય એને માટે જ તમે હવે કામના ના રહ્યા હો તો તમને બોલાવવાનો અર્થ પણ શું ? નકામું ભારણ જ વધારવાનું ને ! પણ, આ બઘું તો જો તમે સાચે જ બીમાર હો તો સાચું ને ! જો તમે ઘોડા જેવા દોડતા હો ને તોય કોઈ આમ બીમાર જાહેર કરીને તમારું પાનું કાપી નાખે તો ? તમને તો આ કારણની ખબર ત્યારે જ પડે ને, જ્યારે કોઈ તમારી ખબર પૂછે ? કે ડૉક્ટર સૂચવે ?
આવી અટપટી ચાલ ચાલીનેય ધાર્યું કરી લેનારા હોય છે. તમારી તબિયત વિષે, તમારા સંજોગો વિષે, તમારી વ્યસ્તતા વિષે, તમારા સ્વભાવ વિષે, તમારા ‘ભાવ’ વિષે, તમારી ક્ષમતા અને પાત્રતા વિષે ‘‘વધારીને’’ વાત કરનારાની આ વિશિષ્ટ આવડતના શિકાર બનો ત્યારે વીંધાઇ ગયા પછીય જાણ ન થાય એવું બને !
વડીલની ઇચ્છા હતી કે એ એમની સાથે આવો ‘ખેલ’ ખેલનાર પેલા અંગતજનને એનું કારણ પૂછે ! પણ, પછી પૂછવાની નિરર્થકતા સમજીને એમને જાતે જ વિશ્વ્લેષણ કર્યું. અને એમને આવું કરનારનો હેતુ સાવ સ્પષ્ટ સમજાઈ ગયો ! એમાં રહેલા એમનો સ્વાર્થ સિદ્ધ કરવાના ભાવને એ ઓળખી શક્યા. પોતાના સુધી વાત ન આવવા દેવા પાછળ. એક પ્રકારની દુર્ભાવના જ હતી. દીકરીને સારું મળે એમાં નિમિત્ત ન બનવાનું એમણે નક્કી જ કર્યું હશે. અને આજ પછી પણ, જ્યારે જ્યાંથીય આવી કોઈ તક ઊભી થાય તો આડા આવવાનો સંકલ્પ પણ ખરો જ ! એમાં એમને શું મળે તે સવાલ જ નકામો ! આવી માનસિકતાવાળાને કોઈનું કૈં અટકે કે બગડે તો આનંદ મળે છે. અને એ આનંદ જ એમને મન પ્રાપ્તિ છે ! એમની પોતાની દીકરી કે કોઈ ઓળખીતાની દીકરીને પરણાવી દેવાય એવી ચાલ હોય તો ય સમજ્યા ! ઘણીવાર આવી ગણત્રી પણ હોય છે અને એમાં તો દેખીતો જ લાભ પણ હોય છે. સમાજમાં આવા ‘વચેટિયા’ સક્રિય હોય છે. કોઈ પણ ક્ષેત્રમાં એ મળી જાય. એ જવાબદારી વગર જ નફો કમાઈ લે છે. સોદો સફળ થયો તો એ એમની તમારા તરફની કરુણા, અને પ્રસંગ નિષ્ફળ ગયો તો તમારું નસીબ ! અને એ પણ સાચું જ ને કે લોભિયા હોય ત્યાં ઘુતારા ભૂખે ન મરે. રૂપિયાના ચાર અડધા શોધનારાને કોણીએ ગોળ લગાડી રસ્ત
ાનો માલ સસ્તામાં પધરાવનારાય મળે જ ને ! ગુણવત્તા અંગેની જાગૃતિનો અભાવ, સમજ કે પરખની ગેરહાજરી અથવા તો આંધળો વિશ્વાસ કે અંજાઇ જવાની મર્યાદા એને માટે જવાબદાર.
વચેટિયાને તો બેઉ હાથમાં લાડુ ! જેને ત્યાં પ્રસંગ છે એનો પ્રસંગ સાચવી આપ્યો ને જેને તક આપી એના પર ઉપકાર કર્યો ! ‘તક’ મળે તો ધનભાગ્ય એવી માનસિકતા ધરાવનારાને આ લોકો સૂંઘીય લેતા હોય છે. પરિણામે જુગતે જોડી જામે છે. કોઈકવાર પ્રતિભાશાળીય એમની ઝપટે ચડી જાય છે. પણ સમજે ત્યારે તો પ્રસંગ પૂરો થઈ ગયો હોય છે ને બેઉ પક્ષેથી લાભ પ્રાપ્ત કરનાર પેટે હાથ ફેરવતા અન્ય ભૂખ્યાને ને જમણવારને ભેગા કરવાનું આયોજન કરવામાં ડૂબી હોય છે. ક્યારેક તો પોતે ય જમણવાર ગોઠવીને ભૂખ્યા ને ભેગા કરે છે...ને આ સદ્‌કાર્યમાં સહયોગ શોધી, દાનેશ્વરીને પુણ્યશાળી બનવાની તક આપે છે.

વડીલને લાગ્યું કે આ અંગતજને એમની પડખે રહીને ઘા કર્યો એમાં એણે કોઇક હિસાબ વાળ્યો છે. એ યાદ કરતા હતા કૈંક તો એવું હશે ને જેને કારણે એણે આમ વેર લીઘું ? આપણાથી એવું કૈંક થઈ ગયું હશે તો કોઈ આવું કરે ને ?
એમની દીકરી કુંવારી રહી જવાની છે એવું નથી જ. સારી, સંસ્કારી દીકરી છે, પરિવારની શાખ છે. સારો જીવનસાથી મળવાનો જ છે. અને જે હાથથી છટક્યો છે એણે ય હજી તો ઉત્તમ મુરતિયા સાબિત થવાનું બાકી છે. હજી આજે તો એ સત્કાર સમારંભના મંચ પરથી ઊતરી રહ્યો છે. વડિલને ભોજનમાં કોઈ સ્વાદ નહોતો રહ્યો. એમનો પ્રતિભાવ જરા વધારે પડતો ઉર્મિલ હતો કારણ કે એ હજીય પેલા અંગતજનને શંકાનો લાભ આપવાના મતના હતા. પણ, આ રીતે ફાયદો ઉઠાવનારા, આગળ આવ્યાનો ભ્રમ રચનારા ય સમાજમાં હોય છે એ વાત એમને ગળે નહોતી ઊતરતી.
તમારા હોઠ સુધી આવતો કોળિયો જો અધવચ્ચેથી મારગ આતરે તો એમાં તમારા હાથનો જ વાંક ! આવા હાથ જેવા સાથીના સાથ વિષે જાગૃત રહેવાય તો રહેવું નહંિ તો એ બહાને ય કોઈ ઓળખાયા તો ખરા ?! એક બે ને સાડા ત્રણ!

સંવેદનાના સૂર

યાદ આયા તેરા જુદા હોના,જબ કિસીને કહા, ખુદા-હાફિઝ!

નિર્વેદ! ગલીની તૂટીફૂટી સડક વટાવી તમે સરિયામ મુખ્ય માર્ગ પર પગ મૂક્યો, ને વાહનોના, માણસોના કર્કશ કોલાહલનું એક ટોળું તમારા સંવેદનતંત્ર પર તૂટી પડ્યું. સવારના દસ વાગ્યાનો તડકો તાર તાર થઈને ઝરમરતો હતો, ને ખુલી ચુકેલી મટન માર્કેટમાં તાજા ચમકતા ગોશ્તના લાલ-સફેદ ટુકડા તરફડ્યા વિના લટકતા હતાં.
ઑફિસ સુધીનો આખો રસ્તો આ રીતે જ માણસોની, વાહનોની ઘસાતી અથડાતી ભીડમાં ભીંસાતો હશે. કાળા પત્થરોના બનેલા બ્રીજ નીચેની ગટર ઊભરાયેલી હશે, ને વહેલી ગટર ક્રોસ કરીને કથ્થઈ પત્થરી દિવાલોવાળી ઑફિસ-જેલમાં પગ મૂકતાં ફરી એકવાર તમને અસ્તિત્ત્વ પર બકારી આવી જશે નિર્વેદ. પણ ઑફિસના તૂટેલાં પગથિયાં ચઢતાં જ કોઈ ‘છોટુ’ભાઈ સામે મળશે અને પોતાના રંગેલા વાળની બાબરી સંવારતા તમને પૂછશે, ‘‘શું ચાલે છે?’’તમે કહેવા ચાહશો નિર્વેદ, ‘‘શ્વાસોચ્છ્‌વાસ!’’ પણ કહેશો, ‘‘બસ મઝા છે, ચાલો પાન-બાન ખાઈએ!’’ અને ચહેરાને પાનપટ્ટી લગાડેલું લાલ લાલ સ્મિત ચોપડી સ્વયંને કોમ્પ્યુટરમાં તરફડતા આંકડાઓની નિર્જીવ જીવાતમાં ખુંપાવી દેશો... પણ...

પણ ક્ષણવાર ઑફિસના પગથિયા પાસે તમે થોભ્યા નિર્વેદ, ને તમને લાગ્યું કે ગુરુવારના આ ઊકળાટી સવારે એટલી ઊદાસી ઓઢાડી દીધી છે તમારા ચહેરા પર, કે એના પર આજે સ્મિતનું લીંપણ નહીં ટકે.
...અને દાઢ વચ્ચે દબાવેલા તમાકુના પાનની એક જોરદાર પિચકારી વડે ફૂટપાથ ભરી દઈ તમે પગ ઊપાડ્યા નિર્વેદ, ઑફિસથી વિરૂઘ્ધની દિશામાં...
ઑફિસમાં નહીં જઈ શકાય એ નક્કી હતું, પણ ક્યાં જવું એની કાંઈ ખબર નહોતી. નાગી સિનેમાઓના ‘પપેટ શૉઝ’માં ભીડ બનીને ઊભરાતા ‘પુખ્ય વયના બાળકો’ના ટોળાં જોઈને તો તમને હમેશાં રમુજ જ પડતી નિર્વેદ. હા, પુસ્તકોને તમે પ્રેમ કરતાં, ને પુસ્તકો તમને. કદાચ પુસ્તકો જ સાચો પ્રેમ કરી શકે છે. અને તમારા લહેરાતા આવારા કદમ સિગરેટના ઘુઑંમાં લપેટાતાં - લાયબ્રેરીની દિશામાં દોરાયા....
‘‘મને નઈમ આનંદની નવલકથા ‘તૂટેલો એક દિવસ’ આપો તમે લાયબ્રેરીયન છોકરીને કહ્યું નિર્વેદ.
‘‘એકની એક ચોપડી તમે કેટલીવાર વાંચશો સર? ચાર વાર તો તમારા કાર્ડના આ જ પાના પર એ નોંધાઈ ચુકી છે.’’
‘‘હજી ચાળીસ વાર થશે. કારણ કે એ એક તૂટવા છતાં ટટ્ટાર રહેતા મર્દના સંવેદનોની લોહીઝાણ સત્યકથા છે. કોઈ લીસી લીસી લવ-લવારો કરતી લોલીપોપ કોમર્શિયલ કલ્પનાકથા નથી. અને હું એક તૂટેલો મર્દ છું.’’
ગુરુવારના વર્કીંગ-ડૅની બપોરે સુમસામ લાયબ્રેરીના જુના ટેબલો પરના છાપાઓના ‘પીળા’ પાનાંઓ, ને મેગેઝીનોના સડેલા સેકન્ડ-હેન્ડ લેખો ઉથલાવી કંટાળ્યા એટલે તમે બહાર આવ્યા.
બપોરનો તડકો આંખોમાં એક નમકીન જલન પેદા કરતો હતો, ને રોડ પર આવેલા પંડિતના પાનના ગલ્લે ટ્રાન્ઝીસ્ટરમાં ‘સબ કુછ સીખા હમને ન સીખી હોંશિયારી’નું ગીત વાગતું હતું. તમને ખૂબ ગમતું ગીત.
‘‘એક વિલ્સ કીંગ આપ પંડિત!’’ નીચા વળી ગલ્લાના આયનામાં બે દિવસની દાઢી ચડેલો ગૌર ચહેરો નિહાળતાં તમે કહ્યું નિર્વેદ.
‘‘એક મારી પણ લેજે!’’ રણકદાર હસતો એક મંજુલ સ્ત્રી-સ્વર પાછળથી સંભળાયો ને તમે ચમકીને પાછુ વળી જોયું. ડાર્ક-બ્લ્યુ બંગાળી સાડીમાં સજ્જ એક ગોરી જાજરમાન યુવતી આંખો પરથી ગોગલ્સ ઉતારતાં બિન્ધાસ્ત હસતી હતી.
‘‘અરે નિર્વેદ! વીસ વર્ષમાં તો તું ડેશંિગ હીરોમાંથી ખભા ઝુકેલો ‘દેવદાસ’ બની ગયો છે!’’ પેલી યુવતીએ કહ્યું, ને ઓળખાણ પડતાં, ‘‘અરે રેશમા, તું હંિદુસ્તાનમાં છે? મેં તો ધારેલું કે તું પેરીસની કોઈ આર્ટ-ગેલેરીમાં પેઇન્ટીંગ બનીને બેસી ગયેલી હોઈશ!’’ કહેતાં સિગરેટની સાથે તમારા હોઠ પર એક પુરાની મુસ્કાન જલી ઊઠી નિર્વેદ.
‘‘ફાઈન-આર્ટ તો પછી મેં મૂકી દીઘું નિર્વેદ. મુંબઈ જઈ બી.કોમ. કર્યું, મેનેજમેન્ટનો એકાદ ડિપ્લોમા લીધો ને અત્યારે ત્યાં જ એક નેવીગેશન કંપનીમાં પી.આર.ઓ. છું. પી.આર.ઓ. કમ પી.એ. ટૂ મેનેજંિગ ડાયરેક્ટર. અત્યારે એમની સાથે જ ઑફિસ-ટૂર પર અમદાવાદ આવી છું. તું શું કરે છે?’’
‘‘બસ સ્પોટ રનીંગ! અહીં ને અહીં ભણ્યો, ને અહીં જ નોકરી કરું છું. પાન-બાન ખાશે રેશમા?’’
‘‘અહીં જ પાન ખવડાવશે કે? ઘરે નહીં બોલાવે? ભાભી કેવી છે? મજબુત ને સુંદર? શું નામ છે એ ભાગ્યશાળીનું?’’ પાંપણો પટપટાવતાં મજાકી અવાજે રેશમાએ વીસ વર્ષ પહેલાંના તમારા મજાકી શબ્દો દોહરાવ્યા નિર્વેદ.
‘‘હતી’’ તમારા ગળા સુધી આવ્યું ને પછી થૂંક ગળી ચહેરાને સ્મિતનો તમાચો મારી તમે કહ્યું, ‘‘હમ્‌! રેખા!’’
‘‘બચ્ચાં? બે કે ત્રણ?’’
‘‘ત્રણ!’’
‘‘ગૂડ! ત્રણેય સન જ હશે તારે તો, મજબુત ને સુંદર!’’ રેશમાએ શરારતી સ્વરે કહ્યું, પણ તમને એ સ્વર ઉદાસીમાં ફાટતો લાગ્યો. ‘‘હં! તમે ઉત્તર આવ્યો ને એ છંછેડાઈ,
‘‘વીસ વર્ષે અચાનક મળી ગયેલી કોલેજની અંતરંગ મિત્રને કોફી પીવાનું કે ઘરે આવવાનું આમંત્રણ આપવું તો બાજુ પર રહ્યું, વાત કરવામાં ય તને રસ નથી લાગતો, નિર્વેદ. હું જઈશ. લે આ મારું કાર્ડ. મુંબઈ આવે ને ઇચ્છા થાય તો મળજે. ખુદા હાફીઝ!’’ કહી ગોગલ્સ ચડાવી છંછેડાયેલા ચહેરે એ ચાલતી થઈ.
‘‘અરે રેશમા, સાંભળ તો ખરી! હું તો ‘રેખા’ વિનાની હથેળીવાળો માણસ છું. આ ઉદાસી કંઈ તારા પ્રત્યેની નથી. એ તો મારા આખા અસ્તિત્ત્વ સાથે એવી રીતે જડાયેલી છે, કે ઇશ્વર પણ એને દૂર કરી શકે તેમ નથી’’ તમે કહેવા ચાહ્યું નિર્વેદ, પણ અવાજ ગળામાં જ ઓગળી ગયો, ને નજર એણે આપેલા કાર્ડના નકશીદાર સોનેરી અક્ષરોમાં.
‘મિસ રેશમા રાજવંશી... કોલાબા, મુંબઈ... ફોન નંબર...’
કાર્ડ વાંચતા એક ચિનગારી સી તમારી સુસ્ત આંખોમાં ચમકી ગઈ નિર્વેદ, ને કાર્ડને કાળજીપૂર્વક પાકિટમાં મૂકી, પાકિટ જીન્સ પેન્ટના હીપ-પોકેટમાં મૂકી તમે બસ-સ્ટોપ પર આવ્યા, જ્યાં ઉતરતી બપોરની ગરમાશમાં એક ખિસ્સા-કાતરૂ શિકારની તલાશમાં જાણે તમારી જ રાહ જોતો ઊભો હતો...

શું હીરો કોલસામાંથી બને છે?

"- સત્યની બીજી બાજુ -"

માન્યતા ઃ કાચીંડો વાતાવરણમાં એકરૂપ થઈ જવા માટે પોતાનો રંગ બદલે છે.
હકીકત ઃ આપણે ગુજરાતીમાં એક ઉક્તી વારંવાર વાપરીએ છીએ કે ફલાણો તો કાચીંડા જેવો છે. વારે વારે રંગ બદલે છે. આવું કહીને આપણે એ માણસ કેટલો અવિશ્વસનીય છે એવું પ્રસ્થાપિત કરવા માંગીએ છીએ. પણ આમાં કાચીંડાને મોટો અન્યાય થાય છે. કાચીંડો પોતાની વિશ્વસનીયતા બચાવવા કે ખોવા રંગ નથી બદલતો. એ બીજા પ્રાણીથી પોતાને બચાવવા વાતાવરણ સાથે એકરૂપ થઈ જવા પોતાનો રંગ નથી બદલતો. હુમલાખોરોને ચકમો આપવા એ પોતાનો રંગ નથી બદલતો. કાચીંડાની બધી જ જાતિઓ કાંઈ રંગ બદલતી નથી હોતી. જુદી જુદી જાતિઓ જુદાં જુદાં રંગો ધારણ કરતી હોય છે. કાચીંડાઓ રંગ બદલે છે એનાં વિવિધ કારણો છે. જેવાં કે એનો મૂડ, વાતાવરણની ગરમીથી બચવા, સ્વાસ્થ્ય, પ્રકાશને અનુરૂપ થવા, માદા કાચીંડાને આકર્ષવા, બીજા પ્રાણી પર ગુસ્સે થઈને ધમકી આપવા વગેરે વગેરે.
માન્યતા ઃ મનુષ્યને પાંચ ઇન્દ્રિયો હોય છે.
હકીકત ઃ પાંચ ઈન્દ્રિયોથી મનુષ્યનું શરીર બનેલું છે એવું આપણને નાનપણથી જ શિખવવામાં આવ્યું છે. સંસ્કૃતમાં પણ આ અંગે ઘણા સુભાષિતો લખવામાં આવ્યા છે. જોવા માટે દ્રષ્ટિ, સાંભળવા માટે કાન, સ્પર્શ, ગંધ અને સ્વાદ આ પાંચેય ઇન્દ્રિયોથી મનુષ્ય અવતાર સંપન્ન થાય છે. એનાં વગર મનુષ્ય અઘૂરો ગણાય છે. પશ્ચિમના દેશોમાં મહાન ફીલોસોફર એરીસ્ટોટલે પણ આ પાંચ ઇન્દ્રિયોનો ઉલ્લેખ કરેલો છે. ઇન્દ્રિયોની આઘુનિક વ્યાખ્યા એ છે કે એ એક એવી સીસ્ટમ છે જેમાં ચોક્કસ પ્રકારની સંવેદનાનાં કોષો હોય છે. જે બહારની કોઈ ક્રિયા સાથે સંપર્કમાં આવતાં જ પ્રતિક્રિયા કરે છે જેને લીધે મગજનાં કોઈ ચોક્કસ ભાગમાં ઉત્તેજના થાય છે. આ વ્યાખ્યા પ્રમાણે ગણીએ તો આપણા શરીરમાં પાંચ નહીં પણ બીજી ઘણી ઈન્દ્રિયો છે. જેમનાં નામ છે, થર્મોસેપ્શન, પ્રોપીઓ સેપ્શન, નોસી સેપ્શન, ઈક્વીલીબ્રીઓ સેપ્શન, સ્ટ્રેચ રીસેપ્ટર્સ, કેમો રીસેપ્ટર્સ, મેગ્નેટો સેપ્શન, તરસ અને ભૂખ વગેરે વગેરે. એટલે હવે જ્યારે કોઈ પાંચ ઇન્દ્રિયોની વાત કરે ત્યારે બીજી બધી ઇન્દ્રિયો વિશે ઘ્યાન દોરવાનું ભૂલતા નહી!
માન્યતા ઃ હીરો કોલસામાંથી બને છે.
હકીકત ઃ આપણે એવું માનીએ છીએ કે કોલસાની ખાણમાંથી જ હીરા નીકળે છે. ઘણીવાર કોઈ માણસનાં વખાણ કરવા પણ એમ કહીએ છીએ કે એ કોલસાની ખાણમાંથી નીકળેલો હીરો છે. પણ સત્ય એ છે કે હીરાની ઉત્પત્તિ આશરે એકથી ત્રણ અબજ વર્ષો પહેલાં થઈ હોવાનું મનાય છે. જ્યારે કોલસો ૩૦૦ થી ૪૦૦ કરોડ વર્ષો પહેલાં ઉત્પન્ન થયો છે. એટલે કોલસામાંથી હીરો બને છે એ વાતમાં દમ નથી. બીજું એ કે કોલસો વનસ્પતિ, મૃતઃપ્રાય પ્રાણીઓના શરીર વગેરેમાંથી રૂપાંતર થઈને બને છે. જ્યારે હીરો એ ફક્ત કાર્બનમાંથી બને છે. હીરો બનવા માટે કેટલાય વર્ષોનું ખૂબજ પ્રેસર જોઈએ અને ૯૦૦ થી ૧૩૦૦ ડીગ્રી તાપમાન જરૂરી છે. પૃથ્વીની અંદર ૮૭ થી ૧૨૦ માઈલની અંદર આટલું પ્રેશર રહે છે. જ્યારે કોલસો તો પૃથ્વીની અંદર એકાદ કિલોમીટરમાં જ મળે છે. કોલસાનું રૂપાંતર બહુ બહુ તો ગ્રેફાઈટમાં થઈ શકે. હીરામાં અશક્ય છે.
માન્યતા ઃ ‘થર્ડ વર્લ્ડ કંટ્રી’ એટલે અવિકસિત અને આર્થિક રીતે નબળો દેશ.
હકીકત ઃ ‘થર્ડ વર્લ્ડ કંટ્રી’ નામનો પહેલીવાર ઉલ્લેખ બીજા વર્લ્ડ વૉર પછી થયો. તે વખતે યુએસએ જોડે જે દેશોએ સંધિ કરી હતી એ બધા દેશો ‘ફર્સ્ટ વર્લ્ડ કંટ્રી’ ગણાયા. સોવીયેટ રશિયા સાથે સંકળાયેલા દેશો ‘સેકન્ડ વર્લ્ડ કંટ્રી’ ગણાયા અને બાકીના બીજા દેશો ‘થર્ડ વર્લ્ડ કંટ્રી’ તરીકે ગણાયા. અર્થાત એમાં આર્થિક પરિસ્થિતિ કે વિકાસનો જરાય માપદંડ નહોતો. ફક્ત કેપીટાલીસ્ટ દેશો ‘ફર્સ્ટ વર્લ્ડ કંટ્રીસ’ ગણાયા અને કોમ્યુનીસ્ટ દેશો ‘સેકન્ડ વર્લ્ડ કંટ્રીસ’ ગણાયા. બાકીના બધા ‘થર્ડ વર્લ્ડ કંટ્રીસ’. ઘણા ‘થર્ડ વર્લ્ડ કંટ્રીસ’ - દેશો વિકાસ અને આર્થિક રીતે ફર્સ્ટ વર્લ્ડ કંટ્રીઝ જેટલા જ આગળ વધેલાં છે. તોય હજીય એમને ‘થર્ડ વર્લ્ડ કંટ્રી’ તરીકે જ ઓળખવામાં આવે છે.
ડ્રાય ફ્રૂટ ઃ મટાની જાતિનાં આફ્રીકાનાં આદિવાસીઓ ફૂટબોલ તરીકે માનવ ખોપરીઓનો ઉપયોગ કરે છે.