હંસના વડિલોએ તે યુવાન હંસને કાગડાની દોસ્તી તોડી નાંખવા
ઘણી વખત સમજાવ્યો કે તું આ દુષ્ટ કાગડાને ઓળખતો નથી
તે તને કોઈ વખત હેરાન કરશે
અર્થાત્ સાપને તમે ગમે તેટલું દૂધ પાઈને ઉછેરો છતાંય તે તમારી સામે ઝેર ઓકશે, કારણકે સાપનો જન્મજાત સ્વભાવ જ ડંખ મારવાનો છે. તેથી તમે તેમાં કોઈ સુધારો કરી શકવાનાં નથી.
આ દ્રષ્ટાંતનો મતલબ માનવજાત સાથે સંકળાયેલો છે. દુનિયામાં બે પ્રકારનાં માનવો જોવા મળે છે, સજ્જન અને દુર્જન. સજ્જનો ક્યારેય તેમની સજ્જનતા ચૂકતા નથી અને દુર્જનો ક્યારેય તેમની દુષ્ટતા છોડતાં નથી. દુષ્ટ અને દુર્જન માણસને બીજાને કનડવામાં એક પ્રકારનો વિકૃત આનંદ આવતો હોય છે.
દુર્જન વ્યક્તિ કોઈ પણ સ્થળે સખણો રહી શકતો નથી.
દુર્જનથી સામી વ્યક્તિનું સુખ ખમી શકાતું નથી. આના માટે હંસ તથા કાગડાની દ્રષ્ટાંત કથા સમજવા જેવી છે.
એક ગામમાં એક હંસ તથા એક કાગડો રહેતાં હતાં. બન્નેનો માળો સામસામે હતો તેથી કાગડા તથા હંસ વચ્ચે મિત્રતા બંધાયી હતી. હંસ સજ્જન હતો. જ્યારે કાગડો દુર્જન હતો.
હંસના વડિલોએ તે યુવાન હંસને કાગડાની દોસ્તી તોડી નાંખવા ઘણી વખત સમજાવ્યો કે તું આ દુષ્ટ કાગડાને ઓળખતો નથી તે તને કોઈ વખત હેરાન કરશે. પરંતુ તે હંસે વડિલોની કોઈ સલાહ કાને ધરી નહીં અને કાગડા સાથે મિત્રાચારી ચાલું રાખી.
એક વખત એક પથિક મુસાફરીથી થાકીને બપોરના સમયે લીમડાની નીચે સૂતો હતો.
તે લીમડાની ડાળીએ હંસ બેઠો હતો અને તેણે જોયું કે સૂતેલા મુસાફરના મોંઢા ઉપર સૂરજનો સીધો તડકો પડે છે તો હું થોડીવાર મારી પાંખો ફેલાવીને થોડો છાંયો કરૂ તો તે મુસાફર શાંતિથી સૂઈ શકે, આમ વિચારીને હંસે પોતાની બન્ને પાંખો ફેલાવી દીધી.
અચાનક ત્યાં પેલો દુર્જન કાગડો આવી ચઢ્યો અને હંસની બાજુમાં બેસી ગયો. દુષ્ટ કાગડાએ જોયું કે હંસ પોતાની પાંખો ફેલાવીને અજાણ્યા મુસાફરને છાંયો આપે છે, તેથી તે ઈર્ષ્યાથી બળી ગયો.
દુષ્ટ કાગડાએ હંસને કહ્યું કે શા માટે તું પોતે તકલીફ વેઠીને એક અજાણ્યા મુસાફરને છાંયો આપે છે? હંસે કીઘું કે મારે ક્યાં આખી જંિદગી તકલીફ લેવાની છે, આ મુસાફર તો ઘડીભર થાક ખાઈને પોતાના રસ્તે ચાલ્યો જશે.
દુષ્ટ કાગડાથી આ ખમાયું નહીં તેથી તેણે હંસને ખબર ના પડે તે રીતે પેલા પથિકના મોંઢા ઉપર ચરક કરી અને ધીમેથી પલાયન થઈ ગયો.
બીજી તરફ પોતાના મોંઢા ઉપર ચરક પડવાથી પથિક સફાળો જાગી ગયો અને ગુસ્સે ભરાઈ ગયો. પથિકને લાગ્યું કે આ હંસે જ મારા મ્હોં પર ચરક કરી હોય તેવું લાગે છે એવું વિચારીને હંસને સજા કરવાના ઈરાદાથી પથિકે પાસે પડેલો પથરો ઉપાડીને હંસ તરફ ફેંકીને હંસને ઘાયલ કરી નાંખ્યો.
આમ હંસ પોતે સજ્જન હતો પરંતુ કાગડા જેવા દુષ્ટ પક્ષી સાથે દોસ્તી કરવાથી હંસને માઠું પરિણામ ભોગવવું પડ્યું.
તેવી જ રીતે સાપ પણ દુષ્ટ કે દુર્જન પ્રાણીની કક્ષામાં જ આવે છે તેથી તમે સાપ પ્રત્યે ગમે તેટલી સહાનુભૂતિ બતાવો કે તેને દૂધ પીવડાવો, પરંતુ તે વખત આવ્યે તેના જન્મજાત સ્વભાવ ઉપર આવી જાય છે અને પોતાને ઊછેરનારને જ ડંખ મારે છે. તેવી જ રીતે દુર્જન વ્યક્તિ પ્રત્યે તમે ગમે તેવો સદ્ વર્તાવ કે સદ્ વ્યવહાર કરો કે તેની સાથે નરમાશથી કે સૂલુકાઈથી વર્તશો છતાંય તે કદીપણ એની દુષ્ટતા છોડશે નહીં અને વખત આવે કૂતરાની માફક તમને ડાઘિયું કરી લેશે. જેમ એક પાત્રમાં કસ્તૂરી અને બીજા પાત્રમાં હીંગ મૂકી બન્નેને બાજુબાજુમાં મૂકવામાં આવે તો કસ્તૂરીની સુવાસ ક્યાંય અલોપ થઈ જશે અને વાતાવરણમાં હીંગની બદબૂ ફેલાવા લાગશે. દુર્જન વ્યક્તિને તમે ગમે તેવી સારી પદવી ઉપર બેસાડશો છતાંય તેની વિચારસરણીમાં કોઈ ફરક પડવાનો નથી ઊલટાનું પોતાની સત્તાનો અતિરેક થતાં મદથી છલકાઈને ગમે તેવી દુષ્ટતા આચરશે, ન બોલવાનું બોલશે અને સજ્જન વ્યક્તિનું અપમાન કરતાં પણ ખચકાશે નહીં. માટે આપણે દુર્જન વ્યક્તિ પાસેથી સારા કામની આશા કે અપેક્ષા રાખવી નકામી છે.
તમે દુર્જન વ્યક્તિ ઉપર ગમે તેટલાં ઉપકાર કરશો કે તેનાં દશ કામ કરી આપશો તો પણ એ એની અસલિયત છોડશે નહીં.
આથી એક કવિએ લખ્યું છે કે દુર્જનો તથા કાંટાઓનો સામનો બે રીતે કરવો જોઈએ એક તો જોડાંથી તેમનું મોંઢું ભાંગી નાંખવું અથવા તેનાથી દૂર રહેવું.
અહીં અમુક વ્યક્તિઓ સંમત થતાં નથી અને એવી દલીલ કરે છે કે દુર્જન તો દુર્જન જરૂર છે, પરંતુ એને જોડું મારીને શા માટે આપણે તેના જેવા અધમ બનવું ? એના કરતાં દુષ્ટ દુર્જનની સાથે રહેવા કરતાં એનાથી દૂર જ રહેવામાં આપણી ભલાઈ છે.
આમ ક્યારેક નાના નાના દ્રષ્ટાંતો આપણાને સારો સબક શીખવી જાય છે અને આપણે એમાંથી પ્રેરણા લેવી જોઈએ.
0 comments:
Post a Comment