યાદ આયા તેરા જુદા હોના,જબ કિસીને કહા, ખુદા-હાફિઝ!
નિર્વેદ! ગલીની તૂટીફૂટી સડક વટાવી તમે સરિયામ મુખ્ય માર્ગ પર પગ મૂક્યો, ને વાહનોના, માણસોના કર્કશ કોલાહલનું એક ટોળું તમારા સંવેદનતંત્ર પર તૂટી પડ્યું. સવારના દસ વાગ્યાનો તડકો તાર તાર થઈને ઝરમરતો હતો, ને ખુલી ચુકેલી મટન માર્કેટમાં તાજા ચમકતા ગોશ્તના લાલ-સફેદ ટુકડા તરફડ્યા વિના લટકતા હતાં.
ઑફિસ સુધીનો આખો રસ્તો આ રીતે જ માણસોની, વાહનોની ઘસાતી અથડાતી ભીડમાં ભીંસાતો હશે. કાળા પત્થરોના બનેલા બ્રીજ નીચેની ગટર ઊભરાયેલી હશે, ને વહેલી ગટર ક્રોસ કરીને કથ્થઈ પત્થરી દિવાલોવાળી ઑફિસ-જેલમાં પગ મૂકતાં ફરી એકવાર તમને અસ્તિત્ત્વ પર બકારી આવી જશે નિર્વેદ. પણ ઑફિસના તૂટેલાં પગથિયાં ચઢતાં જ કોઈ ‘છોટુ’ભાઈ સામે મળશે અને પોતાના રંગેલા વાળની બાબરી સંવારતા તમને પૂછશે, ‘‘શું ચાલે છે?’’તમે કહેવા ચાહશો નિર્વેદ, ‘‘શ્વાસોચ્છ્વાસ!’’ પણ કહેશો, ‘‘બસ મઝા છે, ચાલો પાન-બાન ખાઈએ!’’ અને ચહેરાને પાનપટ્ટી લગાડેલું લાલ લાલ સ્મિત ચોપડી સ્વયંને કોમ્પ્યુટરમાં તરફડતા આંકડાઓની નિર્જીવ જીવાતમાં ખુંપાવી દેશો... પણ...
પણ ક્ષણવાર ઑફિસના પગથિયા પાસે તમે થોભ્યા નિર્વેદ, ને તમને લાગ્યું કે ગુરુવારના આ ઊકળાટી સવારે એટલી ઊદાસી ઓઢાડી દીધી છે તમારા ચહેરા પર, કે એના પર આજે સ્મિતનું લીંપણ નહીં ટકે.
...અને દાઢ વચ્ચે દબાવેલા તમાકુના પાનની એક જોરદાર પિચકારી વડે ફૂટપાથ ભરી દઈ તમે પગ ઊપાડ્યા નિર્વેદ, ઑફિસથી વિરૂઘ્ધની દિશામાં...
ઑફિસમાં નહીં જઈ શકાય એ નક્કી હતું, પણ ક્યાં જવું એની કાંઈ ખબર નહોતી. નાગી સિનેમાઓના ‘પપેટ શૉઝ’માં ભીડ બનીને ઊભરાતા ‘પુખ્ય વયના બાળકો’ના ટોળાં જોઈને તો તમને હમેશાં રમુજ જ પડતી નિર્વેદ. હા, પુસ્તકોને તમે પ્રેમ કરતાં, ને પુસ્તકો તમને. કદાચ પુસ્તકો જ સાચો પ્રેમ કરી શકે છે. અને તમારા લહેરાતા આવારા કદમ સિગરેટના ઘુઑંમાં લપેટાતાં - લાયબ્રેરીની દિશામાં દોરાયા....
‘‘મને નઈમ આનંદની નવલકથા ‘તૂટેલો એક દિવસ’ આપો તમે લાયબ્રેરીયન છોકરીને કહ્યું નિર્વેદ.
‘‘એકની એક ચોપડી તમે કેટલીવાર વાંચશો સર? ચાર વાર તો તમારા કાર્ડના આ જ પાના પર એ નોંધાઈ ચુકી છે.’’
‘‘હજી ચાળીસ વાર થશે. કારણ કે એ એક તૂટવા છતાં ટટ્ટાર રહેતા મર્દના સંવેદનોની લોહીઝાણ સત્યકથા છે. કોઈ લીસી લીસી લવ-લવારો કરતી લોલીપોપ કોમર્શિયલ કલ્પનાકથા નથી. અને હું એક તૂટેલો મર્દ છું.’’
ગુરુવારના વર્કીંગ-ડૅની બપોરે સુમસામ લાયબ્રેરીના જુના ટેબલો પરના છાપાઓના ‘પીળા’ પાનાંઓ, ને મેગેઝીનોના સડેલા સેકન્ડ-હેન્ડ લેખો ઉથલાવી કંટાળ્યા એટલે તમે બહાર આવ્યા.
બપોરનો તડકો આંખોમાં એક નમકીન જલન પેદા કરતો હતો, ને રોડ પર આવેલા પંડિતના પાનના ગલ્લે ટ્રાન્ઝીસ્ટરમાં ‘સબ કુછ સીખા હમને ન સીખી હોંશિયારી’નું ગીત વાગતું હતું. તમને ખૂબ ગમતું ગીત.
‘‘એક વિલ્સ કીંગ આપ પંડિત!’’ નીચા વળી ગલ્લાના આયનામાં બે દિવસની દાઢી ચડેલો ગૌર ચહેરો નિહાળતાં તમે કહ્યું નિર્વેદ.
‘‘એક મારી પણ લેજે!’’ રણકદાર હસતો એક મંજુલ સ્ત્રી-સ્વર પાછળથી સંભળાયો ને તમે ચમકીને પાછુ વળી જોયું. ડાર્ક-બ્લ્યુ બંગાળી સાડીમાં સજ્જ એક ગોરી જાજરમાન યુવતી આંખો પરથી ગોગલ્સ ઉતારતાં બિન્ધાસ્ત હસતી હતી.
‘‘અરે નિર્વેદ! વીસ વર્ષમાં તો તું ડેશંિગ હીરોમાંથી ખભા ઝુકેલો ‘દેવદાસ’ બની ગયો છે!’’ પેલી યુવતીએ કહ્યું, ને ઓળખાણ પડતાં, ‘‘અરે રેશમા, તું હંિદુસ્તાનમાં છે? મેં તો ધારેલું કે તું પેરીસની કોઈ આર્ટ-ગેલેરીમાં પેઇન્ટીંગ બનીને બેસી ગયેલી હોઈશ!’’ કહેતાં સિગરેટની સાથે તમારા હોઠ પર એક પુરાની મુસ્કાન જલી ઊઠી નિર્વેદ.
‘‘ફાઈન-આર્ટ તો પછી મેં મૂકી દીઘું નિર્વેદ. મુંબઈ જઈ બી.કોમ. કર્યું, મેનેજમેન્ટનો એકાદ ડિપ્લોમા લીધો ને અત્યારે ત્યાં જ એક નેવીગેશન કંપનીમાં પી.આર.ઓ. છું. પી.આર.ઓ. કમ પી.એ. ટૂ મેનેજંિગ ડાયરેક્ટર. અત્યારે એમની સાથે જ ઑફિસ-ટૂર પર અમદાવાદ આવી છું. તું શું કરે છે?’’
‘‘બસ સ્પોટ રનીંગ! અહીં ને અહીં ભણ્યો, ને અહીં જ નોકરી કરું છું. પાન-બાન ખાશે રેશમા?’’
‘‘અહીં જ પાન ખવડાવશે કે? ઘરે નહીં બોલાવે? ભાભી કેવી છે? મજબુત ને સુંદર? શું નામ છે એ ભાગ્યશાળીનું?’’ પાંપણો પટપટાવતાં મજાકી અવાજે રેશમાએ વીસ વર્ષ પહેલાંના તમારા મજાકી શબ્દો દોહરાવ્યા નિર્વેદ.
‘‘હતી’’ તમારા ગળા સુધી આવ્યું ને પછી થૂંક ગળી ચહેરાને સ્મિતનો તમાચો મારી તમે કહ્યું, ‘‘હમ્! રેખા!’’
‘‘બચ્ચાં? બે કે ત્રણ?’’
‘‘ત્રણ!’’
‘‘ગૂડ! ત્રણેય સન જ હશે તારે તો, મજબુત ને સુંદર!’’ રેશમાએ શરારતી સ્વરે કહ્યું, પણ તમને એ સ્વર ઉદાસીમાં ફાટતો લાગ્યો. ‘‘હં! તમે ઉત્તર આવ્યો ને એ છંછેડાઈ,
‘‘વીસ વર્ષે અચાનક મળી ગયેલી કોલેજની અંતરંગ મિત્રને કોફી પીવાનું કે ઘરે આવવાનું આમંત્રણ આપવું તો બાજુ પર રહ્યું, વાત કરવામાં ય તને રસ નથી લાગતો, નિર્વેદ. હું જઈશ. લે આ મારું કાર્ડ. મુંબઈ આવે ને ઇચ્છા થાય તો મળજે. ખુદા હાફીઝ!’’ કહી ગોગલ્સ ચડાવી છંછેડાયેલા ચહેરે એ ચાલતી થઈ.
‘‘અરે રેશમા, સાંભળ તો ખરી! હું તો ‘રેખા’ વિનાની હથેળીવાળો માણસ છું. આ ઉદાસી કંઈ તારા પ્રત્યેની નથી. એ તો મારા આખા અસ્તિત્ત્વ સાથે એવી રીતે જડાયેલી છે, કે ઇશ્વર પણ એને દૂર કરી શકે તેમ નથી’’ તમે કહેવા ચાહ્યું નિર્વેદ, પણ અવાજ ગળામાં જ ઓગળી ગયો, ને નજર એણે આપેલા કાર્ડના નકશીદાર સોનેરી અક્ષરોમાં.
‘મિસ રેશમા રાજવંશી... કોલાબા, મુંબઈ... ફોન નંબર...’
કાર્ડ વાંચતા એક ચિનગારી સી તમારી સુસ્ત આંખોમાં ચમકી ગઈ નિર્વેદ, ને કાર્ડને કાળજીપૂર્વક પાકિટમાં મૂકી, પાકિટ જીન્સ પેન્ટના હીપ-પોકેટમાં મૂકી તમે બસ-સ્ટોપ પર આવ્યા, જ્યાં ઉતરતી બપોરની ગરમાશમાં એક ખિસ્સા-કાતરૂ શિકારની તલાશમાં જાણે તમારી જ રાહ જોતો ઊભો હતો...
0 comments:
Post a Comment