"- સત્યની બીજી બાજુ -"
માન્યતા ઃ કાચીંડો વાતાવરણમાં એકરૂપ થઈ જવા માટે પોતાનો રંગ બદલે છે.
હકીકત ઃ આપણે ગુજરાતીમાં એક ઉક્તી વારંવાર વાપરીએ છીએ કે ફલાણો તો કાચીંડા જેવો છે. વારે વારે રંગ બદલે છે. આવું કહીને આપણે એ માણસ કેટલો અવિશ્વસનીય છે એવું પ્રસ્થાપિત કરવા માંગીએ છીએ. પણ આમાં કાચીંડાને મોટો અન્યાય થાય છે. કાચીંડો પોતાની વિશ્વસનીયતા બચાવવા કે ખોવા રંગ નથી બદલતો. એ બીજા પ્રાણીથી પોતાને બચાવવા વાતાવરણ સાથે એકરૂપ થઈ જવા પોતાનો રંગ નથી બદલતો. હુમલાખોરોને ચકમો આપવા એ પોતાનો રંગ નથી બદલતો. કાચીંડાની બધી જ જાતિઓ કાંઈ રંગ બદલતી નથી હોતી. જુદી જુદી જાતિઓ જુદાં જુદાં રંગો ધારણ કરતી હોય છે. કાચીંડાઓ રંગ બદલે છે એનાં વિવિધ કારણો છે. જેવાં કે એનો મૂડ, વાતાવરણની ગરમીથી બચવા, સ્વાસ્થ્ય, પ્રકાશને અનુરૂપ થવા, માદા કાચીંડાને આકર્ષવા, બીજા પ્રાણી પર ગુસ્સે થઈને ધમકી આપવા વગેરે વગેરે.
માન્યતા ઃ મનુષ્યને પાંચ ઇન્દ્રિયો હોય છે.
હકીકત ઃ પાંચ ઈન્દ્રિયોથી મનુષ્યનું શરીર બનેલું છે એવું આપણને નાનપણથી જ શિખવવામાં આવ્યું છે. સંસ્કૃતમાં પણ આ અંગે ઘણા સુભાષિતો લખવામાં આવ્યા છે. જોવા માટે દ્રષ્ટિ, સાંભળવા માટે કાન, સ્પર્શ, ગંધ અને સ્વાદ આ પાંચેય ઇન્દ્રિયોથી મનુષ્ય અવતાર સંપન્ન થાય છે. એનાં વગર મનુષ્ય અઘૂરો ગણાય છે. પશ્ચિમના દેશોમાં મહાન ફીલોસોફર એરીસ્ટોટલે પણ આ પાંચ ઇન્દ્રિયોનો ઉલ્લેખ કરેલો છે. ઇન્દ્રિયોની આઘુનિક વ્યાખ્યા એ છે કે એ એક એવી સીસ્ટમ છે જેમાં ચોક્કસ પ્રકારની સંવેદનાનાં કોષો હોય છે. જે બહારની કોઈ ક્રિયા સાથે સંપર્કમાં આવતાં જ પ્રતિક્રિયા કરે છે જેને લીધે મગજનાં કોઈ ચોક્કસ ભાગમાં ઉત્તેજના થાય છે. આ વ્યાખ્યા પ્રમાણે ગણીએ તો આપણા શરીરમાં પાંચ નહીં પણ બીજી ઘણી ઈન્દ્રિયો છે. જેમનાં નામ છે, થર્મોસેપ્શન, પ્રોપીઓ સેપ્શન, નોસી સેપ્શન, ઈક્વીલીબ્રીઓ સેપ્શન, સ્ટ્રેચ રીસેપ્ટર્સ, કેમો રીસેપ્ટર્સ, મેગ્નેટો સેપ્શન, તરસ અને ભૂખ વગેરે વગેરે. એટલે હવે જ્યારે કોઈ પાંચ ઇન્દ્રિયોની વાત કરે ત્યારે બીજી બધી ઇન્દ્રિયો વિશે ઘ્યાન દોરવાનું ભૂલતા નહી!
માન્યતા ઃ હીરો કોલસામાંથી બને છે.
હકીકત ઃ આપણે એવું માનીએ છીએ કે કોલસાની ખાણમાંથી જ હીરા નીકળે છે. ઘણીવાર કોઈ માણસનાં વખાણ કરવા પણ એમ કહીએ છીએ કે એ કોલસાની ખાણમાંથી નીકળેલો હીરો છે. પણ સત્ય એ છે કે હીરાની ઉત્પત્તિ આશરે એકથી ત્રણ અબજ વર્ષો પહેલાં થઈ હોવાનું મનાય છે. જ્યારે કોલસો ૩૦૦ થી ૪૦૦ કરોડ વર્ષો પહેલાં ઉત્પન્ન થયો છે. એટલે કોલસામાંથી હીરો બને છે એ વાતમાં દમ નથી. બીજું એ કે કોલસો વનસ્પતિ, મૃતઃપ્રાય પ્રાણીઓના શરીર વગેરેમાંથી રૂપાંતર થઈને બને છે. જ્યારે હીરો એ ફક્ત કાર્બનમાંથી બને છે. હીરો બનવા માટે કેટલાય વર્ષોનું ખૂબજ પ્રેસર જોઈએ અને ૯૦૦ થી ૧૩૦૦ ડીગ્રી તાપમાન જરૂરી છે. પૃથ્વીની અંદર ૮૭ થી ૧૨૦ માઈલની અંદર આટલું પ્રેશર રહે છે. જ્યારે કોલસો તો પૃથ્વીની અંદર એકાદ કિલોમીટરમાં જ મળે છે. કોલસાનું રૂપાંતર બહુ બહુ તો ગ્રેફાઈટમાં થઈ શકે. હીરામાં અશક્ય છે.
માન્યતા ઃ ‘થર્ડ વર્લ્ડ કંટ્રી’ એટલે અવિકસિત અને આર્થિક રીતે નબળો દેશ.
હકીકત ઃ ‘થર્ડ વર્લ્ડ કંટ્રી’ નામનો પહેલીવાર ઉલ્લેખ બીજા વર્લ્ડ વૉર પછી થયો. તે વખતે યુએસએ જોડે જે દેશોએ સંધિ કરી હતી એ બધા દેશો ‘ફર્સ્ટ વર્લ્ડ કંટ્રી’ ગણાયા. સોવીયેટ રશિયા સાથે સંકળાયેલા દેશો ‘સેકન્ડ વર્લ્ડ કંટ્રી’ ગણાયા અને બાકીના બીજા દેશો ‘થર્ડ વર્લ્ડ કંટ્રી’ તરીકે ગણાયા. અર્થાત એમાં આર્થિક પરિસ્થિતિ કે વિકાસનો જરાય માપદંડ નહોતો. ફક્ત કેપીટાલીસ્ટ દેશો ‘ફર્સ્ટ વર્લ્ડ કંટ્રીસ’ ગણાયા અને કોમ્યુનીસ્ટ દેશો ‘સેકન્ડ વર્લ્ડ કંટ્રીસ’ ગણાયા. બાકીના બધા ‘થર્ડ વર્લ્ડ કંટ્રીસ’. ઘણા ‘થર્ડ વર્લ્ડ કંટ્રીસ’ - દેશો વિકાસ અને આર્થિક રીતે ફર્સ્ટ વર્લ્ડ કંટ્રીઝ જેટલા જ આગળ વધેલાં છે. તોય હજીય એમને ‘થર્ડ વર્લ્ડ કંટ્રી’ તરીકે જ ઓળખવામાં આવે છે.
ડ્રાય ફ્રૂટ ઃ મટાની જાતિનાં આફ્રીકાનાં આદિવાસીઓ ફૂટબોલ તરીકે માનવ ખોપરીઓનો ઉપયોગ કરે છે.
0 comments:
Post a Comment