જો તે નહિ કરી જાણીએ તો બરબાદ થઈ જઈશું
ગાંધીજી જેલમાં હતા ત્યારની વાત છે. જેલમાં કે જેલ બહાર તેમનો આહાર સાત્ત્વિક અને અલ્પ રહેતો. સવારના નાસ્તામાં તેઓ ફૂલાવેલાં દસ ખજુર લેતા હતા.
તે વખતે જેલમાં તેમની સાથે વલ્લભભાઈ હતા. તેમને વિચાર આવ્યા કરે કે આ દસ ખજુરમાંથી બાપુને શું શક્તિ મળશે?
પણ બાપુજી તો નિત જોખ્યો તોલ્યો આહાર લેનારા હતા. તેમને પૂછ્યા વિના તેમના આહારની માત્રામાં પણ કંઈ ફેરફાર કરી શકાય નહિ. પણ વલ્લભભાઈના મનમા ંબાપુજીના સ્વાસ્થ્યની ઘણી ચંિતા રહ્યા કરે એટલે એક દિવસ તેમણે બાપુજીના નાસ્તા માટે દસને બદલે પંદર ખજુર પલાળી દીધાં. વલ્લભભાઈને એમ કે ખજુર દસના બદલે પંદર થઈ જશે તેમાં બાપુજીને શી ખબર પડવાની? આમ ચાલી જાય તો બાપુજીને થોડીક વધારાની શક્તિ મળી રહેશે.
બાપુજી સવારે નાસ્તા માટે બેઠા ત્યારે તેમને લાગ્યું કે ખજુરમાં કંઈ વધારો થયો છે. તેમણે વલ્લભભાઈને પૂછ્યું, ‘‘તમે ગણીને ખજુર પલાળ્યાં હતા?’’
વલ્લભભાઈએ કહ્યું, ‘‘બાપુજી, અંદાજે ખજુર લીધાં હતાં.’’
ગાંધીજીએ કહ્યું, ‘‘જરા ખજુરની સંખ્યા ગણી જુઓ. કેટલી થાય છે?’’
વલ્લભભાઈ તો જાણતા જ હતા કે તેમણે દસને બદલે પંદર ખજુર લીધાં હતાં. છતાંય તેમણે ખજુર ગણીને કહ્યું ‘‘બાપુ! પંદર ખજુર છે. દસ અને પંદર ખજુરમાં શું ફેર પડવાનો? પાંચ ખજુર તે કંઈ ગણતરીમાં કહેવાય?’’
વલ્લભભાઈની વાત સાંભળીને ગાંધીજી વિચારમાં પડી ગયા. થોડીક વાર તેઓ કંઈ ન બોલ્યા. પછી તેમણે પંદર ખજુરમાંથી દસ ખજુર બાજુએ તારવીને અલગ કર્યાં અને પોતાના નાસ્તા માટેના પાત્રમાં ફક્ત પાંચ ખજુર રાખ્યાં. પછી તેમણે વલ્લભભાઈને કહ્યું, ‘‘તમારી વાત વિચારવા જેવી છે. પાંચ ખજુર કંઈ ગણતરીમાં ન ગણાય. જો દસના બદલે પંદર ખજુર થાય તો તેનો કંઈ ફેર ન પડે તો પછી દસના બદલે પાંચ ખજુર થાય તો પણ કંઈ ફેર નહિ વર્તાય.’’
બાપુજીની વાત સાંભળીને વલ્લભભાઈ વિમાસણમાં પડી ગયા. તેમને થયું કે કરવા ગયો સારું, પણ આ તો ઊલટું પડ્યું. તેમણે ગાંધીજીને સમજાવતાં કહ્યું, ‘‘મને એમ કે તમે નાસ્તામાં પાંચ ખજુર વધારે લો તો તમને વધારે શક્તિ મળે. તમારે માથે આખા દેશની ચંિતાનો ભાર છે. પણ મને એવો તો ખ્યાલ જ નહિ કે તમે વાતને આ રીતે લેશો.’’
ગાંધીજીની દિનચર્યામાં બીજો પણ એક એવો પ્રસંગ આવે છે. તેઓ રોજ સવારે ગરમ પાણીમાં લીંબુ નીચોવીને તેમાં મીઠું કે એવું કંઈક નાખીને પીતા હતા. તે માટે પાણી ગરમ કરવામાં આવતું, પણ જો પાણી વધારે ગરમ થઈ ગયું હોય તો તેને થોડુંક ઠરવા દેવું પડતું. એક વખત પાણી વધારે ગરમ થઈ ગયું હશે તેથી તેમાંથી વરાળ વધારે નીકળતી હતી. તે જોઈને ગાંધીજીએ કહ્યું - ‘‘પાણીના વાસણ ઉપર કંઈ ઢાંકો. થોડીક વાર પછી પાણી જરા ઠરશે એટલે હું તે લઈશ.’’
તે વખતે મહાદેવભાઈ દેસાઈ તેમની સાથે હતા. તેમણે ગાંધીજીને કહ્યું, ‘‘બાપુજી! હું પાસે જ બેઠો છું. પાણીમાં કંઈ ન પડે તેનો ખ્યાલ રાખું છું.’’
ગાંધીજીએ કહ્યું, ‘‘પાણીમાં કંઈ પડવાનો પ્રશ્ન નથી પણ પાણીમાંથી જે વરાળ નીકળી રહી છે તેને કારણે તેની ઉપરની હવામાં રહેલા કેટલાય સૂક્ષ્મ જીવો, આ વરાળનો સ્પર્શ થતાં મરી જતા હશે તેની હું ચંિતા કરું છું.’’
આવો એક પ્રસંગ અલ્હાબાદમાં ઉપસ્થિત થયો હતો. ગાંધીજી મોતીલાલ નહેરુને ત્યાં અતિથિ હતા. સવારમાં હાથ-મોં ધોવા માટે ગાંધીજીએ લોટામાં પાણી લીઘું અને તેનાથી હાથ-મોં ધોયાં. ગાંધીજીને કસરથી પાણીનો ઉપયોગ કરતા જોઈને શ્રી જવાહરલાલ નહેરુએ કહ્યું, ‘‘બાપુજી! અહીં તો ગંગા વહે છે. પાણીની કંઈ ખોટ નથી. તમે વિના સંકોચે પાણીનો ઉપયોગ કરો. તેથી કંઈ ગંગાનાં પાણી ખૂટવાનાં નથી.’’
ગાંધીજીએ કહ્યું, ‘‘આમાં ગંગાનાં પાણી ખૂટવાનો પ્રશ્ન નથી. ગંગામાં ગમે તેટલાં પાણી હોય પણ મારે તેમાંથી જેટલું જોઈતું હોય તેટલું જ લેવાય. ગંગાના પાણી ઉપર સૌનો અધિકાર છે. જરૂર કરતાં વધારે પાણી હું વાપરું તો હું દેશનો ગુન્હેગાર ઠરું.’’
ગાંધીજીના જીવનમાં આવી કેટલીય નાની નાની બાબતો જોવા મળે છે - જે ઉપર ઉપરથી આપણને સામાન્ય લાગે પણ તે બાબતોએ જ ગાંધીજીના જીવનનું ઘડતર કર્યું હતું.
વાસ્તવિકતામાં આવા નાના નાના પ્રસંગો ગાંધીજીના ચિત્તમાં ચાલતા વિચારોનું પ્રતિબંિબ પડતું હતું. ગાંધીજીને જો મહાત્મા બનાવનાર કોઈ વાત હોય તો તેમનું જીવન વિશેનું મૌલિક ચંિતન. ગાંધીજીએ ઢગલાબંધ પુસ્તકો વાંચ્યા ન હતાં, પણ મારે શું જોઈએ અને દેશને માટે શું ઇષ્ટ રહેશે તે વાતે તે ઘણા સ્પષ્ટ હતા.
એક રીતે તે વર્ષો ગાંધીજીના સાધનાકાળનાં વર્ષો હતાં. તે વખતે તેઓ અનાસક્તિ, અપરિગ્રહ, અહંિસા ઈત્યાદિ વાતો ઉપર ગહન ચંિતન કરતા હતા. તેની અભિવ્યક્તિ તેમના વ્યવહારમાં પણ થયા કરતી હતી. ગાંધીજીના જીવનમાં સૌથી વધારે ઘ્યાન ખેંચે તેવી વાત હતી તેમનું મૌલિક ચંિતન અને તેને અનુરૂપ તેમનું જીવન. તેમના વિચારો અને આચારો વચ્ચે ખાસ અંતર રહેતું નહિ જેને કારણે બહુજન સમાન તેમને અનુસરવા માટે તત્પર થઈ ગયો.
આજે આપણે જીવન વિશે મૌલિક રીતે ઓછો વિચાર કરીએ છીએ.
આપણે માટે શું યોગ્ય છે તે વિશે વિચાર કરવાને બદલે આપણે દેખા-દેખી જીવવા માંડ્યું છે.
આજે આપણે વસ્તુઓ પાછળ આંધળી દોટ મૂકી છે. જીવનની મૂળભૂત વાતો વીસરી જઈને-તેની અવગણના કરીને આપણે અન્ય દેશો સાથે સ્પર્ધામાં ઊતર્યા છીએ.
આ દોડ આપણને ક્યાં લઈ જશે તેનો પણ વિચાર કર્યા વિના આપણે દોડ્યા કરીએ છીએ. એમાંથી કોને લાભ થશે - કેટલાને લાભ થશે તેનો વિચાર કરવા પણ આપણે થોભતા નથી. શું આપણે આબાદીના માર્ગે જઈ રહ્યા છીએ કે બરબાદીના માર્ગે એ વિચારવા આજે કોણ તૈયાર છે! પરિણામે આપણે સ્વસ્થતા અને શાન્તિ ઝડપથી ગૂમાવી રહ્યા છીએ.
આ સંજોગોમાં સમગ્ર દેશને બચાવવાનું આપણું ગજું ન હોય તો છેવટે આપણી જાતને બચાવી લઈએ - આપણા સ્વજનોને બચાવી લઈએ તો પણ ઘણું. આજે જીવન વિશે મૌલિક રીતે વિચાર કરવાની અત્યંત આવશ્યકતા ઊભી થઈ ગઈ છે. જો તે નહિ કરી જાણીએ તો અંતે આપણા હાથમાં હતાશા અને નિરાશા સિવાય બીજું કંઈ નહિ આપે.
0 comments:
Post a Comment