Pages

Sunday, December 11, 2011

સંસારરૂપી દરિયામાં દીવાદાંડી

કુરુક્ષેત્ર નામક યુદ્ધના મેદાનમાં પરમ ભક્ત અને સખા અર્જુનને થયેલા વિષાદને દૂર કરવા, તેને માઘ્યમ બનાવી, સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે માગસર સુદ-૧૧ના દિવસે શ્રીકૃષ્ણએ આપેલા ઉપદેશને ગીતા તરીકેનું નામ અપાયેલ છે. આ એક જ ગ્રંથ એવો છે કે જે શ્રીકૃષ્ણના શ્રીમુખે વાણીરૂપી ગીત છે. આથી જ આ દિવસે ‘ગીતાજંયતિ’ આવે છે. શ્રીકૃષ્ણે ઘણોખરો અંશ પદ્યમાં કહ્યો હતો, પરંતુ જે ગદ્યમાં કહ્યો હતો તેને વ્યાસ ભગવાને સંકલન કરી શ્વ્લોકબદ્ધ કરી દીધો હતો. સાતસો શ્વ્લોકના આ ગ્રંથને અઢાર અઘ્યાયોમાં વિભાજિત કરીને ‘‘મહાભારત’’માં મુકી દીધો હતો, જે આજે પણ ‘‘ગીતા’’ના અલગ રૂપમાં ઓળખાય છે. આમાં એકથી એક હજાર સુધીની સંખ્યાનો અનેરો સમન્વય છે. વળી આ ગ્રંથમાં ગણી ન શકાય તેવાં અચરજ અને ગુપ્ત રહસ્યો છૂપી રીતે છે. આનું ચંિતન કરવાથી શાન્તી-પ્રસન્નતા મળે છે.
શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા એ મહાભારતનો નાનો પ્રભાગ છે. ભલે મહાભારત ઐતિહાસિક ગ્રંથ ગણાતો હોય, પરંતુ આપણા માટે તો તે ધાર્મિક ગ્રંથ જ છે અને ઈતિહાસ કહીએ તો તે આત્માનો ઈતિહાસ છે, જે હજારો વર્ષો પૂર્વે શું થયું તેનું વર્ણન નથી પણ આજે પ્રત્યેક મનુષ્ય દેહમાં શું ચાલી રહ્યું છે તેનો ચિતાર છે. ગીતા એ શ્રીકૃષ્ણ-અર્જૂન વચ્ચેનો સંવાદ છે એનું વર્ણન સંજય અંધ ઘૃતરાષ્ટ્રની આગળ કરે છે. ગીતા તો અમૃતરૂપી દિવ્ય વાણી છે. આમાં ઉષનિષદ અઘ્યાહાર છે, એટલે આખો અર્થ ગાવામાં આવેલ ઉપનિષદ એમ થયો. ઉષનિષદ એટલે જ્ઞાન-બોધ. અંતર્યામી શ્રીકૃષ્ણ આજે પણ દેહમાં આપણા દેહમાં બિરાજે છે. એટલે ધર્મસંકટમાં અર્જૂનરૂપે જિજ્ઞાસુ થઈને અંતર્યામીને પૂછીએ - તેમના શરણે જઈએ ત્યારે મદદ મળે. ભલે આપણે સુતા હોઈએ પરંતુ તેઓ તો નિત્ય જાગતા રહે છે. ગીતા દિવ્ય વિચારોનો સ્ત્રોત છે. તેમાં આપણી રોજબરોજની સમસ્યાઓનો ઉકેલ છે. તે જીવતાં તો શીખવાડે છે પરંતુ મૃત્યુ પણ સુધારે છે. નિસ્પૃહી અને નિર્ભયી બનાવે છે અને આમ હોય તો પછી જોઈએ પણ શું ?
‘ગીતાજયંતિ’ માટે બે કારણો-પ્રસંગો છે, (૧) સૃષ્ટિ રચના પૂર્વે પરમાત્માને ‘‘એકમાંથી અનેક રૂપોમાં થાઉં’’ એવા સંકલ્પથી પ્રેમવૃદ્ધિની લીલા માટે, પ્રેમનું આદાન-પ્રદાન કરવા માટે તેઓ બે રૂપોમાં પ્રગટ થયા. પછી તો કેટલાય રૂપો ધારણ કર્યા અને પોતાની લીલા શરૂ કરી. કર્મના બંધનોથી પરમાત્માથી સર્વથા વિમુખ થયેલા જીવ આખરે તેમની સમક્ષ જાય અને તેમની સાથેના નિત્ય સંબધને પિછાણી લે એટલા માટે જીવના (આત્માના) કલ્યાણ માટે ગીતાનો અવતાર થયો. (૨) સાંદિપનિ ૠષિના આશ્રમમાં ચોસઠ દિવસોમાં ચોસઠ વિદ્યા શ્રીકૃષ્ણ શીખ્યા. ગુરુ દક્ષિણા માટે શ્રીકૃષ્ણે ૠષિ-ગુરુને વિનંતી કરી પરંતુ ગુરુએ ના પાડી, છતાં શ્રીકૃષ્ણના આગ્રહથી દક્ષિણાના ફળરૂપે કહ્યું કે, ‘‘મેં જે જ્ઞાન પ્રદાન કર્યું તેની કંિમત ન અંકાય, પરંતુ જગતનું કલ્યાણ થાય તેવું જ્ઞાન જો આપ આપશો તો મારી ગુરુદક્ષિણા પુરી થશે.’’ વળી ગુરુના એકના એક પુત્ર દત્તને પંચજન્ય દૈત્ય ઉપાડી ગયો હતો તેને પાછો લઈ આવવા આશ્રમના સહાઘ્યાયીઓએ શ્રીકૃષ્ણને આગ્રહણ કર્યો એટલે તે દૈત્યનો વધ કરીને પાછો લઈ આપ્યો. પંચજન્યના હાડકાના ભુકામાંથી જે શંખ બનાવાયો તે આજે ‘‘પંચજન્ય શંખ’’ તરીકે જાણીતો છે, જે મહાભારતના યુદ્ધ વખતે વગાડવામાં આ
વેલ. અને તે વખતે અર્જૂનને આપેલ ઉપદેશ ‘‘ગીતાજયંતિ’’ તરીકે છે.
કુરુક્ષેત્રનું યુદ્ધ તો નિમિત્ત માત્ર છે પરંતુ ખરું કુરુક્ષેત્ર તો આપણું શરીર છે, વળી તે ધર્મક્ષેત્ર પણ છે. તે ક્ષેત્રમાં આપણી સામે રોજબરોજ કંઈને કંઈ સમસ્યાઓ ચાલતી જ રહે છે. કુરુક્ષેત્રનું યુદ્ધ અનિવાર્ય બન્યું હતું. તે અધર્મ સામે ધર્મયુદ્ધ હતું. ધર્મ એટલે સત્યનો જ વિજય થાય. આપણા દેહરૂપી કુરુક્ષેત્રમાં અધર્મરૂપી મૂળ રાગદ્વેષ છે. તેથી મોહ, માયા, ક્રોધ, અભિમાન, લોભ, દંભ આપણા ઉપર હાવી ન થાય તે માટે સાવધાન રહેવાનું, સદ્‌કર્મ કરતા રહી, સ્થિતયજ્ઞ રીતે જલકમલવ્રત રહેવાનું ગીતા શિખવાડે છે.
ગીતા એક પ્રાસાદિક ગ્રંથ છે. સપ્ત શ્વ્લોકી ગીતા, અર્જૂન ગીતા, અષ્ટાદશી ગીતા, ધર્મગીતા, ઉઘ્ધવગીતા અને ગામઠી ગીતા જેવાં નામ સ્વરૂપે વિદ્યમાન છે. શ્રીમદ્‌ શબ્દ ભાગવત અને ગીતા આગળ જ વપરાયો છે. ગીતા ભગવાનનો શ્વાસ હૃદય છે, તેમની વાઙમયી મૂર્તિ છે. ગીતાજીનાં દર્શન, સ્પર્શ, ભાષણ તથા ચંિતન કરવાથી પણ મનુષ્યો પરમ પવિત્ર બની જાય છે. ગીતાજીના તોલે સંસારમાં યજ્ઞ, દાન, તપ, તીર્થ, વ્રત, સંયમ કે ઉપવાસ વગેરે કંઈ જ ન આવે. તે જીવનની દ્રષ્ટિ આપે છે, જીવન તેજસ્વી બનાવે છે. તેમજ વિવેક આપે છે. આમ ગીતા એ માનવીના જીવનરૂપી દરિયામાં દીવાદાંડી સમાન છે. જ્યાં ગીતા છે ત્યાં અજ્ઞાનતા, લાચારી, દંભ, ક્ષુદ્રતા, મૂઢતા, ભ્રાન્તિવાદ, મલિનતા ટકી શકે જ નહીં. આ તો કૃષ્ણની હૃદય ભાવના છે.
ગીતામાં કોઈ વાદ, સંપ્રદાય, સિદ્ધાંત, કાળ કે દેશની વાત નથી. એમાં માનવ કલ્યાણની વાત છે. કારણ કે માનવીને જબરજસ્તીથી, તલવારથી કે કાયદા કાનૂનથી સુધારી શકાય નહીં. આથી જ તેમાં મનનું પરિવર્તન કરી તેને સુધારવાની હિમાયત કરવામાં આવી છે. તેથી માનવમાત્ર ગીતાશાસ્ત્ર માટે અધિકારી છે, અને ભગવાને પણ ભક્તોમાં અને ભક્તોએ આવો પ્રચાર કરવાની આજ્ઞા આપી છે. આજે પણ કોર્ટોમાં ફક્ત ગીતાજીના પવિત્ર ગ્રંથ પર હાથ મુકાવીને સોગંદ લેવડાવીને કાર્યવાહી શરૂ થાય છે. આથી જ તે સાંપ્રદાયિક ગ્રંથ નથી. માનવજીવન એક યાત્રા છે અને ગીતા તેના માટે નકશા સમાન છે.
ગીતામાં ભગવાનને પ્રાપ્ત કરવાના મુખ્ય બે માર્ગો બતાવ્યા છે (૧) માયાના કાર્યસ્વરૂપ સઘળા ગુણો જ ગુણોમાં વર્તે છે, એમ સમજી મન, ઈન્દ્રિયો અને શરીર દ્વારા થતાં સઘળાં કાર્યો કર્તાપણાના અભિમાનથી પર રહેવું અને ભગવાન સિવાય કોઈનાયે અસ્તિત્વનો ભાવ ન રહેવો એ થયો. સાંખ્ય યોગના સાધનનો માર્ગ (૨) સર્વ ભગવાનનું સમજી, ફળની ઈચ્છા છોડી સર્વ કર્મ કરવાં તથા શ્રઘ્ધા અને ભક્તિભાવે મન, વાણી અને શરીરથી તેમના શરણે જઈ તેમનું ચંિતન કરવું એ કર્મયોગના સાધનનો માર્ગ. કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ એ સ્થૂળ, સુક્ષ્મ અને કરણ આ ત્રણ શરીરોનો સંસારની સાથે અભિન્ન સંબંધ છે, માટે આ ત્રણેયને એકબીજાની સેવામાં જોતરી દઈએ એ કર્મયોગ અને પોતે એનાથી અસંગ થઈને પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય એ જ્ઞાનયોગ અને પોતે ભગવાનને સમર્પિત થાય એ ભક્તિયોગ થયો. વળી ગીતામાં આ ઉપરાંત યજ્ઞ, દાન, તળ, ઘ્યાન, પ્રાણાયમ, હઠયોગ, લયયોગ વગેરે સાધનોનું પણ વર્ણન છે. અર્જૂનના પ્રશ્નો કેવળ યુદ્ધના વિષયો પૂરતા નથી પરંતુ કલ્યાણના પણ છે.
મનુષ્ય માત્રના ઉદ્ધાર માટે રાજમાર્ગ ‘પ્રસ્થાનત્રય’ના નામથી ઓળખાય છે. એક વૈદિક પ્રસ્થાન જેને ‘ઉપનિષદ’ કહે છે. બીજુ દાર્શનિક પ્રસ્થાન જેને ‘બ્રહ્મસુત્ર’ કહે છે અને ત્રીજુ સ્માર્ત પ્રસ્થાન જેને ‘ભગવદ્‌ ગીતા’ કહે છે. ઉપનિષદોમાં મંત્ર છે અને શ્વ્લોકો ગીતામાં છે. કર્મયોગ પોતે જ જડતાનો ત્યાગ કરે છે, જ્ઞાનયોગ પોતે જ પોતાને જાણે છે અને ભક્તિયોગમાં પોતે જ ભગવાનને શરણે જાય છે.
આ સંસાર પીંપળાના ઝાડ જેવું છે. તેનું મૂળ ઉપર અને શાખાઓ નીચે છે. પાંદડાં વેદ સ્થાને છે. સંસારરૂપી પીંપળાને જે ઓળખે છે તે વેદને જાણનાર છે. પીંપળાનું રૂપ અનંત, આદિ, સ્થિત છે અને એ રૂપને કોઈ સ્પષ્ટપણે ઓળખી શકતું નથી. આરૂઢ મૂળવાળા સંસારરૂપી પીંપળાને વૈરાગ્યરૂપી મજબૂત શસ્ત્રથી કાપીને તે સ્થાન શોધવું જોઈએ કે જ્યાં પહોંચેલો જીવ જન્મમરણના ફેરામાંથી સદા માટે મુક્ત થઈ જાય છે.
ગીતાનું મહાત્મ્ય વર્ણવા કોઈ સમર્થ નથી. આ તો રહસ્યસભર છે. કેવળ વેદોનો સાર સંગ્રહી લેવાયો છે. ગીતા નવિનતાથી ભરપૂર છે. રોજબરોજ નવું નવું જ સમજાશે. ભગવાનના ગુણ, પ્રભાવ અને મર્મનું જે વર્ણન ગીતામાં છે તે અન્યમાં નથી.
ભગવાને ગીતામાં કહ્યું છે જે કંઈ બઘું છે તે હું જ છું. સઘળા કર્મ, કર્તવ્ય, ધર્મને મારામાં પરોવી, બઘુ ત્યજીતું એક માત્ર મારી પાસે આવ- મારું શરણું લે. હું તને સર્વ પાપોમાંથી મુક્ત કરી દઈશ. ‘‘કૃષ્ણં વન્દે જગદ્‌ગુરુ’’ ગીતામાં જણાવ્યા પ્રમાણે તે માર્ગ ઉપર ચાલીશું તો વિશ્વ કુટુંબનું સ્વપ્ન જરૂર સિદ્ધ થશે.

0 comments: