શરીર પર ઘા પડે ત્યારે તેમજ શસ્ત્રક્રિયાની કાપકૂપ બાદ ઘામાં રૃઝ આવતાં વાર લાગે તે દરમિયાન તેમાં ચેપ લાગવાની સંભાવના હોય છે. જૂના કાળમાં શસ્ત્રક્રીયા બાદ ઘામાં ચેપ લાગીને દર્દીઓના મૃત્યુ થવાની ઘટનાઓ ઘણી બનતી. પરંતુ ૧૯મી સદીમાં થઈ ગયેલા વિજ્ઞાની જોસેફ લીસ્ટરે એન્ટી સેપ્ટીક દવા શોધીને ઘામાં ચેપ લાગતો અટકાવી હજારો દર્દીઓની જિંદગી બચાવી છે.
જોસેફ લીસ્ટરનો જન્મ ઈંગ્લેન્ડના અપ્ટોન ખાતે ઈ.સ. ૧૮૨૭ના એપ્રિલની ૫મી તારીખે થયો હતો. ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ તેને એડિનબર્ગ રોયલ ઈન્ફર્મરીમાં સર્જન તરીકે નિમણૂંક મળેલી. લીસ્ટરે જોયું કે હોસ્પિટલમાં શસ્ત્રક્રિયા કર્યા પછી અર્ધા ઉપરાંત દર્દીઓ ઘામાં ચેપ લાગવાથી મૃત્યુ પામતા. શરીર પરનો ઘા પાકી જાય પછી તેને બચાવવો મુશ્કેલ હતો. લીસ્ટરે અભ્યાસ કરીને શોધી કાઢયું કે ઘામાં ઉત્પન્ન થતાં બેકટેરિયા ઘામાં સડો કરે છે અને તે પાકી જાય છે. તેણે બેકટેરિયાના નાશ કરે તેવા કાર્બોલિક એસિડવાળા પાટા બાંધવાનું નક્કી કર્યું.
ઈ.સ. ૧૮૭૦માં તેણે શસ્ત્રક્રિયા પછી ઘા પર કાબોલિક એસિડ છાંટીને પાટા બાંધવાનું શરૃ કર્યું. આ શોધ એન્ટીસેપ્ટીક તરીકે પ્રખ્યાત થઈ ત્યારબાદ તેણે હોસ્પિટલના કર્મચારીઓને હાથે પગે સફેદ મોજાં પહેરવાનો નિયમ પણ કર્યો. લીસ્ટરના પ્રયત્નોથી યુરોપની હોસ્પિટલોમાં સ્વચ્છતા આવવા લાગી અને ચેપ લાગવાની ઘટનાઓ ઓછી થવા લાગી. ઈ.સ. ૧૮૭૧માં લીસ્ટરે મહારાણીવિકટોરિયાના ડાબા હાથ પર શસ્ત્રક્રિયા કરી ગુમડું દૂર કરેલું. ત્યારબાદ લીસ્ટરને લંડનની કીંગ કોલેજમાં વડાસર્જન તરીકે નિમણૂંક મળેલી. આ આશીર્વાદ જનક શોધ કરનાર જોસેફ લીસ્ટરનું ઈ.સ. ૧૯૧૨ના ફેબ્રુઆરીની ૧૦મી તારીખે અવસાન થયું હતું.
1 comments:
Nice Article Thanks for post
Post a Comment