Pages

Saturday, March 6, 2010

ભચાઉ નજીકથી ૪૫૦૦ વર્ષ જૂનું નગર મળ્યું

કચ્છ જાણે હડપ્પન સંસ્કૃતિનું મુખ્યમથક બની ગયું હોય તેમ વધુ એક નગર ભચાઉ તાલુકાના શિકારપુર
પાસે મળી આવ્યું છે. અહીં ત્રણ વર્ષથી ઉત્ખનન કાર્ય ચાલી રહ્યું છે, જેમાં સાડાચાર હજાર વર્ષ જૂની વસ્તુઓ પણ મળી આવી છે. આમ ધોળાવીરા, કુરન, ખીરસરા બાદ વધુ એક નગર શોધી કઢાયું છે. નેશનલ હાઇવે પર સામખિયાળીથી અંદાજે ૧ર કિલોમીટર દૂર રાજકોટ તરફ જતા હાઇવે પર વાલમિયા ટીંબા નામે ઓળખાતી નગરીમાં ત્રણેક વર્ષથી ખોદકામ કરાઇ રહ્યું છે. જે દરમિયાન વર્ષોપુરાણા અવશેષો મળી રહ્યા છે.

વડોદરાની એમ. એસ. યુનિ.ના જીઓલોજી વિભાગ દ્વારા આ સંશોધનકાર્ય હાથ ધરાયું છે, જેમાંથી નીકળેલા તારણો દ્વારા અનેક રહસ્યો પરથી પડદો ઊચકાય તેવી શકયતા છે. કાર્યમાં મહત્વનું યોગદાન આપી રહેલા સાઇટ ઇન્ચાર્જ પ્રા. કુલદીપ ભાને જણાવ્યું કે ખનન કરતી વેળાએ ૪૫૦૦ વર્ષથી પણ જૂના મારિના મકાનો, શંખ, બંગડી, પથ્થરના મણકા મળી આવ્યા છે. જેને વડોદરા ખાતે વધુ સંશોધન માટે મૂકી દેવાયાં છે.

પ્રા. ભાને કહ્યું કે, સૂરજબારી નજીક હોવાથી આ સ્થળે ગેસ્ટ હાઉસ જેવા મકાનો પણ મળ્યાં છે. સંભવત: મુસાફરોને રહેવા માટે આ સ્થળ મહત્વનું મથક હોવાનું મનાય છે. ૧૧ મીટર જાડી અને ઉચી દીવાલો હોવાથી આ સ્થળે દરિયો હોવાનું પણ નકારી શકાતું નથી. સંભવત: હોડી દ્વારા સામાન તેમજ મુસાફરોની હેરફેર થતું હોય તેવી સ્થિતિ મળી આવી છે. પ્રા. ભાનુપ્રસાદ પણ કાર્યરત છે.

દરમિયાન ભુસ્તરશાસ્ત્રી ડો. મહેશભાઇ ઠકકરે કહયું કે હાલમાં ધોળાવીરા ઉપરાંત કાનમેર, કુરન, ખીરસરા, ગણેશપર (બાંભણકા) જેવી સાઇટો પર સંશોધનનો ધમધમાટ વઘ્યો છે. તેમણે કહયું કે તે વખતે કલાઇમેટ ચેન્જની સમસ્યા સર્જાતાં કાળક્રમે આ સંસ્કૃતિ ભુંસાઇ ગઇ હોવાનું મનાય છે. એકદમથી તે સમયના શહેરો કે ગામો નષ્ટ નહોતાં થયાં પણ માઇગ્રેશન વધી જતાં આ સ્થળો સુનાં પડયાં હતાં. આવી સાઇટો પરથી મળી આવેલાં હાડપીંજરો પણ તે વાતની ગવાહી પુરી પાડે છે. ડો. ઠકકરે આશા વ્યકત કરી કે આગામી વર્ષથી કચ્છ યુનિવર્સિટીમાં પણ સંશોધનકાર્ય આરંભાશે. તેમણે વિશિષ્ટ પ્રદેશ કચ્છમાં અનેક સાઇટો દ્વારા ધરબાયેલી નગરી શોધવા પ્રયાસો થઇ રહયા હોવાનું જણાવ્યું હતું.

કચ્છમાં ૬૦થી વધુ પુરાતનનગરી છે

કચ્છના પેટાળમાં એક-બે નહીં, પણ ૬૦થી પણ વધારે પુરાતનનગરીઓ ધરબાયેલી હોવાનું વડોદરાની એમએસ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના પ્રા. કુલદીપ ભાને જણાવ્યું હતું. તેઓએ કહ્યું કે, તમામ સ્થળો હડપ્પન યુગના છે અને દરેકનું કામ અલગ અલગ તબક્કામાં હોવાની માહિતી તેમણે આપી હતી.

સાઇટ પરથી હાડપિંજર પણ મળ્યું

ઉત્ખનન કાર્ય દરમિયાન ઉપરથી જ એક માનવ હાડપિંજર મળી આવ્યું છે, એ પણ અંદાજે ચાર હજારથી પણ વધુ જૂનું હોવાનું મનાય છે. આ કંકાલ કેટલું પુરાણું છે તે તો વડોદરાથી રિપોર્ટ આવ્યા બાદ જ કહી શકાય તેવું સાઇટ ઇન્ચાર્જે કહ્યું હતું. આ સંશોધન પછી ખરેખર સમયગાળો જાણી શકાશે.

0 comments: