Pages

Monday, March 15, 2010

સેલિબ્રિટીઓની મોટામાં મોટી મુશ્કેલી એ છે કે, સનસનાટી ફેલાવનારાં અડધા કદનાં ટેબ્લોઈડ અખબારો તેમની પાછળ પડી જાય છે. પ્રિન્સેસ ડાયેના કોની સાથે દરિયાકાંઠે ફરવા જતાં હતાં તે જાણકારી મેળવવા તસવીરકારો છુપાવેશે સંતાઈને તસવીરો લેતા. આવા લોકોને ‘પાપારાઝી’ કહે છે.

બીજાના ઘરમાં અથવા તો બીજાની અંગત જિંદગીમાં ડોકિયું કરનારની ‘પીંપિંગ ટોમ’ કહે છે.

‘પીંપિંગ ટોમ’ શબ્દ ક્યાંથી આવ્યો તેની ક્લાસિક પણ એક ખૂબસૂરત કથા છે.

ઈ.સ. ૧૦૬૬નો સમય હતો.

એ વખતે ઈંગ્લેન્ડમાં લેડી ગોડિયા અત્યંત લોકપ્રિય સ્ત્રી હતી. તેના પતિનું નામ અર્લ લિયોફ્રિક હતું. લેડી ગોડિયા લોકકલ્યાણનાં કામો કરતી હોઈ લોકો તેનો અત્યંત આદર કરતા હતા. તેમના પતિ અર્લ પણ એક સામંત હતા. જ્યારે લેડી ગોડિયા સ્વયં બેહદ સુંદર હતી. તે ર્ધાિમક મનોવૃત્તિવાળી હોવા ઉપરાંત ગરીબો પ્રતિ દયા રાખતી હતી. અલબત્ત તેને પણ આમ સ્ત્રીઓની જેમ ‘નેગિંગ’ અર્થાત્ કાંઈ ને કાંઈ પતિને કહેતા રહેવાની ટેવ હતી.

અર્લ સામંત હતા, પરંતુ લેડી ગોડિયા પણ પૃષ્ઠભૂમિમાં રહેવા માંગતી નહોતી. તે ઈચ્છતી હતી કે તેનો પતિ અર્લ લિયોફ્રિક બરાબર શાસન કરે, પ્રજાભિમુખ શાસન કરે. અર્લ સામંતશાહી યુગના ઇંગ્લેન્ડેના કવૈંટરી નામના પરગણાના શાસક હતા. અર્લ લોકો પર વધુ ને વધુ કર ઝીંકે જતા હતા. લેડી ગોડિયાએ એક દિવસ પતિને સલાહ આપી કે, "ગરીબ લોકો પર આટલા બધાં કરવેરા નાંખવા ઠીક નથી."

અર્લને આ વાત ના ગમી. એણે પત્નીની વાત ફગાવી દીધી, પરંતુ લેડી ગોડિયા કરભારણ ઘટે તે માટે પતિ પર સતત દબાણ કરતી રહી. એ જે વાતને પકડે તે છોડતી નહીં. જમતાં, બેસતાં, ઊઠતાં, સૂતાં પણ લેડી ગોડિયા અર્લને કહેતી : "કરવેરા ઘટાડો."

એક દિવસ પત્નીના દબાણથી તંગ આવી ગયેલા સામંત પતિએ કહ્યું : "લેડી ! તમે તમારા શરીર પરનાં બધાં જ વસ્ત્રો કાઢી નાંખી, નગ્ન થઈ ઘોડા પર બેસી બજારમાં ઘૂમો તો જ હું કર ઘટાડીશ."

સામંતને હતું કે, પત્ની આવી આકરી શરત કદી નહીં માને. તેમને હતું કે, લેડી ગોડિયા ખામોશ થઈ જશે, પરંતુ તેમને પત્નીના મનોબળનો અંદાજ નહોતો. તેઓ સ્ત્રીઓને કમજોર દિલની ચીજ સમજતા હતા.

ખૂબ જ વિચાર્યા બાદ લેડી ગોડિયાએ પતિને કહ્યું : "અગર તમે મને સાર્વજનિક રીતે, અનેક લોકોની હાજરીમાં નગ્ન થઈ ઘોડા પર બેસી બજારમાં ફરવાની અનુમતિ આપો તો હું તેમ કરવા તૈયાર છું."

અર્લ લિયોફ્રિકે પોતાના શાહી દરબારની અને પ્રજાજનોની બેઠક બોલાવી અને લેડી ગોડિયાને કહ્યું : "તમે નગ્ન થઈ, ઘોડા પર બેસી બજારમાં ફરશો તો હું લોકો પરના કરવેરા ઘટાડી નાંખીશ.

શાહી દરબારમાં ઉપસ્થિત સૌ લોકો સ્તબ્ધ થઈ ગયા. વળી લેડી ગોડિયા તો ખુદ શાસકનાં યુવાન-રૃપાળાં પત્ની હતાં. વળી એ ૧૧મી સદીનો સમય હતો. લોકો અત્યંત રુઢિચુસ્ત હતા. સ્ત્રીઓ તો શરીરનો નાનો સરખો ભાગ પણ બહાર ના દેખાય તેની કાળજી રાખતી હતી. વળી બજારમાં એક સ્ત્રી નગ્ન થઈને ફરે તેને અસામાજિક કૃત્ય ગણવામાં આવતું હતું.

પરંતુ લેડી ગોડિયાએ જાહેરાત કરી કે, "કાલે બપોરે હું નિર્વસ્ત્ર થઈ ઘોડા પર બેસી બજારમાં ઘૂમીશ."

લોકો લેડી ગોડિયાનો આ નિર્ણય સાંભળી સ્તબ્ધ થઈ ગયા. શાહી દરબારમાં જરબરદસ્ત ખામોશી છવાઈ ગઈ. લેડી ગોડિયા પ્રત્યે લોકોને ભારે આદર અને માન હતાં. જનકલ્યાણ માટે એક નારી આવી પરિસ્થિતિ પણ સહન કરવા તૈયાર થશે તે માનવા કોઈ તૈયાર નહોતું.

લોકો પોતપોતાના ઘેર ચાલ્યા ગયા.

અર્લ લિયોફ્રિકને હતું કે, સવાર થતાં જ લેડી ગોડિયા તેમનો નિર્ણય બદલશે, પરંતુ તેમ ના થયું. બીજા દિવસે સવારે ૧૧ વાગ્યે લેડી ગોડિયાએ તેમના શાહી મહેલના પ્રાંગણમાં એક ઘોડો મંગાવ્યો. પોતાના શયનખંડમાં જ શરીર પરનાં તમામ વસ્ત્રો ઉતારી નાંખ્યાં. માથા પરના ઘૂંઘરાળા કાળા ભમ્મર વાળ છૂટા કરી દીધા. જેના કારણે વક્ષઃસ્થલ છુપાઈ ગયાં. તેઓ દાસીઓ સાથે બહાર નીકળ્યાં. પોર્ચમાં પહેલેથી એક ઘોડો ઊભો હતો. લેડી નિર્વસ્ત્ર હાલતમાં ઘોડા પર બેસી ગયાં અને લાંબા કાળા વાળ શરીર પર એ રીતે ફેલાવી દીધાં કે જેવી રીતે ચંદ્રમા કાળાં વાદળોની પાછળ ઢંકાઈ જાય.

ઈંગ્લેન્ડના સામંતે લોકો પરના વેરા ઘટાડવા પત્ની સમક્ષ આકરી શરત મૂકી

નિર્વસ્ત્ર હાલતમાં જ લેડી ગોડિયા ઘોડા પર નતમસ્તકે નીકળ્યાં. અર્લ લિયોફ્રિક પણ હવે તેમને રોકી શકે તેમ નહોતા. તેમની બંને બાજુ એક એક સૈનિક હતા, પરંતુ તેઓ નતમસ્તકે ચાલતાં હતાં. નગ્ન હાથ, બદન અને ઉઘાડા પગ સિવાય બીજું કાંઈ જ નજર આવતું નહોતું. આ જ હાલતમાં તેઓ આખું બજાર ફર્યાં અને બજારમાં ફરીને ખુશી ખુશી મહેલમાં પાછાં આવ્યાં. પતિ તેમનું સ્વાગત કરવા તૈયાર જ હતા. એક વિશાળ રેશમી વસ્ત્ર ઓઢાડી અર્લ લિયોફ્રિકે પૂરા આદર સાથે પત્નીનું સ્વાગત કર્યું.

બીજા જ દિવસે સામંત અર્લ લિયોફ્રિકે પત્નીએ માંગ્યું હતું તે કરતાં વધુ લોકોને આપ્યું. આખાયે કવૈંટરીને કરમુક્ત શહેર જાહેર કરી દીધું. લોકો પર નંખાયેલા તમામ કર નાબૂદ કરી દીધા.

લોકો દંગ રહી ગયા.

અર્લ રાજ્યની તિજોરી કેવી રીતે ભરશે તેની પરવા પણ સામંતે કરી નહીં અને લેડી ગોડિયા ઇંગ્લેન્ડની મહાન નારીઓમાં પ્રજા માટે નિર્વસ્ત્ર બનીને ઘૂમનાર નારી તરીકે એક દંતકથા બની ગયાં.

૧૧મી સદીની આ ઘટનાની મોટામાં મોટી ખૂબી એ હતી કે, લેડી ગોડિયાએ પ્રજા માટે પોતાના સ્ત્રીત્વને ઉઘાડું કરવાનું સાહસ કરી એક ત્યાગ આપ્યો, પરંતુ પ્રજાએ પણ એવો જ પ્રતિભાવ આપ્યો હતો. લેડી ગોડિયા જે દિવસે બજારમાં વસ્ત્રો ઉતારીને ઘૂમવાનાં હતાં તે દિવસે લોકોએ પણ સવારથી બજારો ખોલ્યાં નહોતાં. લોકો સ્વયં ઘરનાં બારણાં બંધ કરીને ઘરમાં પૂરાઈ રહ્યાં હતાં. તેઓ એક આકરી શરત પૂરી કરી રહેલાં મહાન મહિલાને નિર્વસ્ત્ર જોવા માંગતાં નહોતાં અને એ રીતે લેડી પ્રત્યે એક ઊંચો આદર વ્યક્ત કરવા માંગતાં હતાં અને તેથી લેડી નિર્વસ્ત્ર બની બજારમાં ઘૂમ્યાં ત્યારે લોકો જ પોતાના ઘરમાં સ્વયંભૂ કેદમાં હોઈ કોઈએ તેમને નિર્વસ્ત્ર જોયાં જ નહીં. લોકોએ સ્વેચ્છાએ જનતા કરફ્યૂ પાડયો અને નગરની શેરીઓને નિર્જન બનાવી દીધી.

છેક પંદરમી સદી સુધી લેડી ગોડિયાની આ કથા ઇંગ્લેન્ડના ઇતિહાસમાં જુદી જુદી રીતે કહેવાઈ છે. આજે પણ અનેક ખેલ અને તમાશાઓમાં સેક્સને ઉપસાવવા લેડી ગોડિયાના નામનો ગલત ઇસ્તેમાલ થાય છે. પશ્ચિમના દેશોના ઘણા તમાશાઓમાં એક સફેદ ઘોડો લાવવામાં આવે છે. તેમાં એક ખૂબસૂરત યુવતીને ઓછામાં ઓછાં પારદર્શક વસ્ત્રો પહેરાવી ઘોડા પર બેસાડી એરેનામાં ફેરવવામાં આવે છે. લોકો તાળીઓ પાડે છે. પરંતુ પશ્ચિમની નવી વર્ણસંકર પ્રજા લેડી ગોડિયા જેવી મહાન નારી પ્રત્યે આદર વ્યક્ત કરવાના બદલે આજે લેડી ગોડિયાના નામે વિકૃત સેક્સ ઢૂંઢે છે. એ જ ઇંગ્લેન્ડની પ્રજા માટે એક સામંતની પત્નીએ અત્યંત હિંમતભર્યું પગલું પ્રજાના હિત માટે ભર્યું હતું, અને તે પણ ઇંગ્લેન્ડનો સમાજ જ્યારે રુઢિચુસ્ત હતો. આ વાત પશ્ચિમની નવી પેઢી ભૂલી ગઈ છે.

અલબત્ત, એ સમયમાં પણ એક સૂક્ષ્મ ઘટના પણ ઘટી ગઈ હતી. એક કિશોરાવસ્થાના છોકરાને લેડી ગોડિયાને નિર્વસ્ત્ર જોવાની લાલચ થઈ આવી હતી. આખા શહેરમાં ટોમ નામનો આ એક જ એવો છોકરો હતો જેણે આખા શહેરના લોકોએ લીધેલા સ્વયંભૂ કરફ્યૂના નિર્ણયનું યોગ્ય પાલન કર્યું નહોતું. એ ઘરમાં તો રહ્યો હતો, પરંતુ તેના ઘરના દરવાજાના એક છીદ્રમાંથી એણે નિર્વસ્ત્ર લેડી ગોડિયાને જોવા પ્રયાસ કર્યો હતો. આ વાત એણે જ લોકોને કહી હતી. બસ એ જ દિવસથી બીજાના ઘરમાં ઝાંખવાનો પ્રયાસ કરનારા લોકોને અંગ્રેજી ભાષામાં ‘પીંપિંગ ટોમ’ કહે છે. આજના સમયમાં પણ આવા ‘પીંપિંગ ટોમ’ ઘણા છે.

ત્યાર પછી તો લેડી ગોડિયાની આ કથા ગદ્ય અને પદ્યમાં પણ લખાઈ છે. આજે પણ ઇંગ્લેન્ડમાં લેડી ગોડિયાની યાદમાં તેમની પ્રતિકૃતિની ઝાંખી નીકળે છે. ઘોડા પર તંગ શ્વેત વસ્ત્રોવાળી યુવતીને બેસાડી તેનું જુલૂસ કાઢવામાં આવે છે. બાજુમાં પુરાણા સમયના ડ્રેસમાં બે સૈનિકો પણ ચાલતા હોય છે.

આજે મધ્યમ વર્ગ પર દર વર્ષે આકરો કરબોજ ઠોકતા શાસકો અર્લ લિયોફ્રિક જેવા નથી અને લેડી ગોડિયા જેવી તેમની પત્નીઓ પણ નથી.

આ ક્લાસિક સ્ટોરી નગ્નતાની નહીં પરંતુ પ્રજાવત્સલ રાણીની અને રાણીને આદર કરતી પ્રજાની છે.

0 comments: