હું મારી જાતને આઘ્યાત્મિક કે બિનઅઘ્યાત્મિક હોવાની વ્યાખ્યામાં બાંધતો નથી, પરંતુ મને એવા લોકો વધુ ગમે છે, જેઓ અંતરમનથી બહુ શાંત હોય, બીજાને માન આપવામાં ઉદાર હોય, જિંદગી અને સમાજ પ્રતિ ખુલ્લાં મનના હોય. હું આને કોઇ એક ટેવ કે પ્રેક્ટિસ સાથે નથી જોડતો.
શાંત રહેવા માટે તમે શા પ્રયાસ કરો છો?
હું સતત શાંત રહેવાના પ્રયાસ કરતો રહું છું. એ પડકારરૂપ તો છે જ. આ કંઇક એવું છે, જેને હું મારી વય વધતી જાય છે તેમ તેમ વધુ ઓળખતો જાઉં છું. આ શાંતિ પ્રાપ્ત કરવાના પ્રયાસ છે. આજના અત્યંત સ્પર્ધાત્મક જમાનામાં ભીતરની શાંતિ મેળવવાનો ઉદ્દેશ હોતો જ નથી.
અહીં તમારી સિદ્ધિઓ જ મહત્વની હોય છે. આ રીતે સમાજ તમારું મૂલ્યાંકન કરે છે અને દુર્ભાગ્યે તમે પણ જાતને આ જ રીતે માપવા-તોળવા લાગો છો. શાંતિની આ શોધ ત્યારે શરૂ થઇ જ્યારે મેં અનુભવ્યું કે આ સિદ્ધિઓ કરતાં પણ વિશેષ મહત્વનું પણ બીજું કશુંક છે.
તમારે ઇશ્વરને એક પ્રશ્ન પૂછવાનો હોય તો એ શો હશે?
બટ્રાર્ન્ડ રસેલે કહેલું એમ તમે તમારી હાજરી અમારે માટે સહજ કેમ ન રાખી? અથવા તો જેમ જુલિયન બર્નેએ લખ્યું છે, ઇશ્વર જો હોય તો મને આશ્ચર્ય એ થાય છે કે એ આપણા દેવતાઓ વિષે શું વિચારતા હશે? વાસ્તવમાં મને એ વાતમાં વિશ્વાસ નથી કે કોઇ ઇશ્વર છે, જે છે તે આ જીવન જ છે.
શાંતિની શોધ પૂરી કરવા તમે શું કરો છો?
એનો આધાર હું મારા સમયનો ઉપયોગ કેવી રીતે કરું છું એના પર છે. સમય પરના મારા અધિકાર અને એ દરમિયાન મારી પસંદગીનું કામ કરવા સાથે એ જોડાયેલી છે. હું એ સમયનો ઉપયોગ કરું કે એને વ્યર્થ ખોઇ નાખું એ મારી પસંદગી પર આધાર રાખે છે. શાંતિની શોધ મારા ભારત સાથેના જોડાણ સાથે પણ ઊંડાણથી જોડાયેલી છે.
શું તમને લાગે છે કે તમારી જિંદગીનો કોઇ નિશ્વિત ઉદ્દેશ્ય છે?
હું કોણ છું અને હું જે દુનિયામાં રહું છું એ કેવી છે એ વિશે વધુ દાર્શનિક બનવાના પ્રયાસ નહીં કરું. હું શું કરવા ઇચ્છું છું એનો મને બાળપણમાં લેશમાત્ર અંદાજ નહોતો. મારો ઉછેર બ્રોંક્સમાં થયેલો. એ સંઘર્ષનો સમય હતો. રાલ્ફ લોરેન અને કેલ્વિન ક્લાઇન મારાથી થોડાં મકાન જ દૂર રહેતા હતા. હોલીવુડમાં ઘણા લોકો બ્રોંક્સથી આવેલા.
હું આને યોગનુયોગ નથી માનતો, પરંતુ એમને ખબર હતી કે આગળ વધવા માટે કેવી રીતે - કેટલો સંઘર્ષ કરવાનો હોય છે. આ હરીફાઇ છે, તમે પલાંઠી વાળીને બેઠા બેઠા બધું પોતાની મેળ થયા કરે એની રાહ નથી જોઇ શકતા. બ્રોંક્સનો મતલબ ગરીબી નહોતો, પણ એનો અર્થ નીચલો મઘ્યમ વર્ગ છે.
મારા પિતા સંગીતકાર હતા અને મને ડોકટર બનાવવા ઇરછતા હતા. અમારા એક પરિચિત થિયેટર એજન્ટ હતા અને યોગાનુયોગે એમની સાથે મારી મુલાકાત થઇ. ત્યારે હું કોલેજમાં હતો અને એમણે મને નોકરીની ઓફર આપી. મેં એ સ્વીકારી લીધી. આ બહુ મજાનું કામ હતું. પ્રીમેડિકલ ક્લાસમાં જરાય મજા-મસ્તી નહોતાં. એક દિવસ મેં પિતાજીને કહ્યું કે હું તબીબી અભ્યાસ નહીં કરું.
મને એમ કે તેઓ આ વાતથી નિરાશ થઇ જશે, એટલે મેં તરત જ ઉમેરી દીધું કે એને બદલે હું વકીલ બનીશ. જોકે એ અંગે મેં કદી વિચાર્યું જ નહોતું. હું કોલમ્બિયા લો સ્કૂલમાં ગયો, જેનાથી મને વ્યવસાયીક કારકિર્દીમાં ખૂબ મદદ મળી. કોલમ્બિયા પછી હું પર્સનલ મેનેજમેન્ટના ક્ષેત્રમાં જતો રહ્યો. એ પછી મને કેટલીય તકો મળી અને છેવટે હું લોસ એન્જેલસ પહોંચી ગયો.
મારી પહેલી ફિલ્મ એલ્વિસ પ્રિસ્લીની ફિલ્મ હતી અને પછી કેટલીય ફિલ્મો બનાવી, જે સફળ પણ થઇ. મારા વ્યવસાયીક ભાગીદાર સાથે મારું કામ બરાબર જામતું ગયું. અમારી પાસે વિચાર હતો અને લોકો એને સાંભળતા હતા. આ સૌથી વધુ જરૂરી હોય છે.
શું તમને કોઇ માર્ગદર્શક શક્તિ કે રક્ષણનો અનુભવ થાય છે કે પછી તમે બધું પોતાની રીતે જ કર્યું?
હું નસીબદાર છું, પણ એ સમજી નથી શકતો કે શા માટે અને કેવી રીતે. મને બીજી કોઇ શક્તિની ખબર નથી. ઘ્યાન દરમિયાન હું કોઇ એવી ચીજ સાથે જોડાઉં છું, જે સાધારણ નથી હોતી. અહીં કેટલાંક અન્ય અનુસંધાન પણ હતાં, જેમને હું મારી સામાન્ય જિંદગીમાં નહોતો જોતો. તથા આ બાબતે મારી જિંદગી પર જબરદસ્ત પ્રભાવ પણ પાડ્યો. આ કોઇ અસાધારણ શક્તિ હતી, એ મારી અંદર હોય કે બહાર, હું એના વિષે નથી જાણતો.
તમે પડકારોના સમયમાં ઊર્જા ક્યાંથી મેળવો છો?
વાસ્તવિક પડકારો આવે ત્યારે બીજાના વિવેકમાંથી શીખવું ઊર્જા આપે છે. હું દાર્શનિક સેનેકાનો મોટો પ્રશંસક છું. સદીઓ પહેલાં એમણે જે કંઇ કહેલું એમાં મને અદ્ભુત વિવેક દેખાય છે. એ ઇશ્વર પર કેન્દ્રિત થવાને બદલે માનવીય વ્યવહાર પર ભાર મૂકે છે.
તમારો પુનર્જન્મ હોય તો તમે શું બનવાનું પસંદ કરશો?
હું એવી વ્યક્તિ તરીકે જન્મ લેવા ઇચ્છીશ, જેણે નોબેલ શાંતિ પારિતોષિક પ્રાપ્ત કર્યું હોય.
ખુશીનો અર્થ શો છે?
જે લોકોને હું પ્રેમ કરું છું એમની સાથે એ અનુભૂતિ થવી કે અમે બધા એકમેકને સ્પર્શી શકવા સક્ષમ છીએ.
0 comments:
Post a Comment