Pages

Sunday, December 11, 2011

એક બે ને સાડા ત્રણ

‘વહેવાર’માં વચેટિયાના કારસ્તાન

વડીલની ઇચ્છા હતી કે એ એમની સાથે આવો ‘ખેલ’ ખેલનાર પેલા અંગતજનને એનું કારણ પૂછે ! પણ, પછી પૂછવાની નિરર્થકતા સમજીને એમને જાતે જ વિશ્વ્લેષણ કર્યું. અને એમને આવું કરનારનો હેતુ સાવ સ્પષ્ટ સમજાઈ ગયો ! એમાં રહેલા એમનો સ્વાર્થ સિદ્ધ કરવાના ભાવને એ ઓળખી શક્યા.
વડીલ આમ તો સ્વભાવે શાંત છે, પણ આજે ગુસ્સામાં હતા. કોઈના લગ્ન પ્રસંગે યોજાયેલા સત્કાર સમારંભમાંથી પાછા આવ્યા હતા. ગુસ્સાનું કારણ ઘ્યાન ખેંચે તેવું હતું. જાણ્યા પછી લાગ્યું કે, આવું ય બની શકે !!

લગ્નમાં એમને મળેલા એમના એક જ્ઞાતિબંઘુએ એમને આ વાત કરી. વર-કન્યાને શુભેચ્છા આપીને વડીલ મંચ પરથી નીચે ઊતર્યા ત્યાં આ જ્ઞાતિજન મળી ગયા. એમણે કહ્યું કે, કન્યા કેવી લાગી ? વડીલ કૈં સમજવા નહીં. સહજ ભાવે જ વખાણ કર્યા, ત્યાં બીજો સવાલ થયો ઃ વરરાજા કેવા લાગ્યા ? વડીલે ખુલ્લાદિલે પ્રશંસા કરી. ત્યાં જ્ઞાતિબંઘુએ ધડાકો કર્યો. જો આટલો સારો છોકરો હતો તો જવા શું કામ દીધો ? હવે વડીલ મૂંઝાયા. એમનીય પરણવાલાયક દીકરી હતી અને એ પણ એને માટે જીવનસાથી શોધતા જ હતા. પોતે જ્ઞાતિમાં પ્રતિષ્ઠિત અને સુખી પણ ખરા. એમના ઘરનો મોભો પડે. આબરુદાર માણસ. પાંચમાં પૂછાય. આવો સવાલ સાંભળીને સંકોચાયા. પણ, જ્ઞાતિજને પેટ છૂટી વાત કરી.
વાત કૈંક આવી હતી.
વડીલની દીકરી માટે આજ છોકરાનું માંગુ, છોકરાના બાપે નાંખેલું. એ લોકોની ઇચ્છાય બહુ હતી. ને દીકરી છેય એવી ! જ્યાં જાય ત્યાં પરિવારને ઉજાળે એવી. વરરાજાનેય છોકરી ગમતી હતી. આથી જ વાત નાખેલી. વડીલના જ કોઈ અંગતને મઘ્યસ્થી રાખેલા. એમના દ્વારા સંપર્ક કરવાનું ગોઠવેલું. વડીલનેય આ અંગત વ્યક્તિ પર વિશ્વાસ. ભાગ્યે જ કૈં છાનું રાખે એવો નજીકનો સંબંધ પણ કોણ જાણે કેમ, આ નિકટની વ્યક્તિએ વડીલના કાન સુધી આ વાત જવા જ ન દીધી. વરના પરિવારજનો પૂછે તો એ ટાળે. બ્હાના બતાવે. મુદ્દત નાખે. ને પછી એકવાર બારોબાર જ કહી દીઘું કે છોકરીવાળાને ફાવે એવું નથી ! એમને તમારામાં રસ નથી. એમની વાત તો બહુ મોટા પરિવારમાં ચાલે છે. કરોડોપતિ પાર્ટી છે. તમારો અહીં ગજ વાગે એવું નથી, પ્રયત્ન કરવો રહેવા દો. આશા જ ન રાખશો વાત નહિ બને !
વડીલનું સામાજિક સ્થાન હતું પણ મોભાદાર એટલે આવું કોઈ માંગું આવ્યું હોય એમાં નવાઈ પણ નહોતી. છોકરાએ ને એના કુટુંબીજનોએ મન વાળી લીઘું. પોતાની હેસિયત પ્રમાણેનું ઘર શોધી લીઘું. એય પેલા મઘ્યસ્થી ભાઈએ જ બતાવ્યું ને વર-કન્યાનું ગોઠવાઈ ગયું !
વડીલે આખી વાત જાણી ત્યારે એમને બહુ નવાઈ લાગી. પરણી ગયા એમને તો આશિષ જ હોય, પણ પોતાની સાથેની આવી ‘રમત’ એમને ન સમજાઈ. સારો છોકરો હાથથી ગયો એનો ગુસ્સોય આવ્યો. એમને પોતાની સાથે થયેલી આ બનાવટ અને એને લીધે પોતાને થયેલ નુકસાન બરાબર ના ખટક્યા હતાં.
વડીલના અંગત મિત્ર, મઘ્યસ્થીની જવાબદારી ઉપાડનારે બારોબાર જ વહીવટ કરી નાખેલો ! આ પણ એક કમાલની વાત રીત છે. અજબ ચાલાકી છે. જેનું પત્તું કાપવાનું હોય એના માટે ખરાબ બોલ્યા વગર, એમના વખાણ કરીનેય એમને ચિત્રમાંથી હટાવી શકાય. તમને અનુકૂળ નથી, ફાવે એમ નથી, રસ નથી. તમારા સ્તરને શોભે એવું નથી, તમને સમય નથી, તમે બહુ વ્યસ્ત છો....વગેરે એવાં કારણો છે કે જેને કોઇ પડકારવા કે ચકાસવા ન જાય. પૂછવા ન જાય. સાંભળનાર એને સાચું જ માને. તમારા સ્થાન અને મોભાનો મહિમા કરીને જ તમને રખડાવી મારે ! વાત કરે તમારા વટની અને કરી નાખે પોતાના લાભ પ્રમાણેનો વહીવટ !
વખાણ કરીને મારવાની આ શૈલીનો ભોગ બનનાર પણ ક્યારેક તો એનાથી સાવ અજાણ જ રહી જાય ! એને કદાચ, કદીય ખબર જ ન પડે કે પડદા પાછળ શું રંધાયું ! ગંધ આવે તો ફરિયાદ કરો ને ! આ તો સુગંધ ફેલાવીને ગુંગળાવી મારવાની ચાલાકી ! તમારી નંિદા થાય, તમારું ઘસતું બોલાય તો તો જરુર કોઈક ને કોઇક તમને એની જાણ કરે, ને તમને તક મળે વાંધો-વિરોધ નોંધાવવાની સામો સવાલ પૂછવા જવાની ને જરુર પડે ઝગડો ય કરવાની પણ, આ તો કોથળામાં પાંચ શેરી ! ફૂંક ફૂંકે ફોલી ખાવાની શૈલી ! તમારી સાથે, તમારી પાસે, તમારી સામે રહીને જ તમારા પગ નીચેથી ચાદર ખેંચી લેવાની ! પીઠ પાછળ ઘા કરવાની, દગાબાજી કે વિશ્વાસઘાતની આ સુંવાળી રીત છે. છેતરાયા કે બનાવટ થઈ કે દગો કર્યો એવો ભાવ તો થાય પણ લડવા ન જવાય. નુકસાન થઈ જાય ત્યાં સુધી એની જાણ જ ન થાય. લાખ ઈચ્છા છતાં તમને આમંત્રણ આપવા માંગનાર લાચાર ! તમે છો જ એવી પ્રતિભા કે વ્યસ્ત હોઈ શકો ! તમને અન્યના આયોજન નાના લાગી શકે ! તમારો ભાવ એવો હોઇ શકે કે તમને બોલાવવાનું માંડી વાળવું પડે !
તમારી પ્રતિભાના સ્વીકારની, એના માટેના આદરની, એનો મહિમા કરવાની સાથો સાથ તમને અવગણવાની, તમારી ઉપેક્ષા કરાવવાની સફળ વ્યૂહરચના રમાઈ શકે. અને તમને એની જાણ જ ન થાય. ક્યારેક કોઇક સંકોચવશ પણ સ્પષ્ટતાથી વાત કરે ત્યારે સત્ય બહાર આવે પણ ત્યારે તો પ્રસંગ આટોપાઈ ગયો હોય ! મઘુરજની પછી મુરતિયાની વાત કરીને ય શું ?
વડીલની અકળામણ વધતી જતી હતી. આ રીતે કોઈ એમને બાકાત કરી દે એ વાત એમને માટે આંચકા જેવી હતી. એમનું પાનું કાપનારે એમને માટે જરાય કડવાશ નહોતી ઉચ્ચારી. એમનાં વખાણ જ કર્યા હતા ! એમની અપ્રાપ્યતાનાં કારણમાં એમની પ્રતિષ્ઠા, વ્યસ્તતા, એમનું સામાજિક સ્તર, એમની સિદ્ધિ, એમની બરોબર ન હોવાનુંય કારણમાં જણાવી દીઘું હતું ! બારોબાર ! મેં એમને શાંત પાડવા પ્રયત્ન કર્યો અને પેલી જૂની ને જાણીતી આશ્વાસન પદ્ધતિ ઉપયોગમાં લીધી. હશે જે જેનું ભાગ્ય આપણી દીકરીને એનાથીય સારું મળશે. વડીલને પણ એ વિષે શંકા નહોતી જ. એમને પોતાની કક્ષા, ક્ષમતા ને દીકરીની પાત્રતા વિષે શંકા નહોતી. એમને માત્ર પોતાને સાવ અંધારામાં રાખીને મૂર્ખ બનાવાયા એનું દુઃખ તો હતું જ, પણ, એથીય વઘુ દુઃખ એ વાતનું હતું કે સામેનો પરિવાર-છોકરાવાળા એમના વિષે કેવું વિચારતા હશે ?! એમને અભિમાની ગણતા હશે ? એમને પોતાનું અપમાન થયાનું લાગ્યું હશે ? એમના યોગ્ય મુરતિયાની અવગણના કરવા પાછળ આપણી દીકરી વિષે એ કૈં ખોટું ધારશે ?
ને આ બઘું જ બની શકે. સમાજમાં તો આવું બનતું જ હોય છે. ભલે અન્ય બાબતોની સરખામણીમાં વત્તા-ઓછા ગણાતા હશે, પણ, જ્ઞાતિમાં તો સહુ સરખા. વહેવારની વાતે, અણગમતુંય રડવું લાગે તેમ, ન બોલાય. એમાં તમારું ગૌરવ નહિ એ તમારો અવિવેક ગણાય.
વડીલે સાચું વિચાર્યું હતું. સામેના પક્ષવાળા શું માનતા હશે ? અને હવે સ્પષ્ટતા કરવા જવાનોય શું અર્થ ? ઉપરથી ગેરસમજ વધે વાત બગડે. કોઈને લાગે કે દીકરીનું ક્યાંય થતું નથી એટલે નાક રગડતા આવ્યા ! આવું માનનારાય હોય ! પોતાનો પ્રસંગ સારી રીતે પૂર્ણ થયાનો આનંદ હોય, એ વખતે આવું માનવાનુંય મન થઈ આવે ! અંદર થોડીક અહંકાર-પુષ્ટિ ય જાગે !
વડીલ સાથે વાત કરતી વખતે એક જાણીતી રમૂજ પણ મનમાં આવી જેમાં મિત્રને પરણાવવા ઉત્સુક મિત્ર થોડુંક વધારીને કહેવાના ઉત્સાહમાં સામાન્ય ઉધરસને ટી.બી. સુધી પહોંચાડી દે છે ! આ પણ એક રીત છે. નુકસાન પહોંચાડવાની ! તમને આમંત્રણ ન આપવાના કારણમાં આવુંય બને તમે બીમાર હો તો તમને કઈ રીતે બોલાવવા ? તમનેય તકલીફ પડે ને તમને બોલાવનારનેય સતત ચંિતા રહે. તમને અગવડ પહોંચાડવાનું મન તમારા પ્રેમીને તો ન જ હોય ને ! અને જો બોલાવે ને તમારી તબિયત બગડે તો એનો તો પ્રસંગ બગડે ને ! અને રોગ ચેપી હોય તો ? અને તમને જે માટે આમંત્રણ આપવું હોય એને માટે જ તમે હવે કામના ના રહ્યા હો તો તમને બોલાવવાનો અર્થ પણ શું ? નકામું ભારણ જ વધારવાનું ને ! પણ, આ બઘું તો જો તમે સાચે જ બીમાર હો તો સાચું ને ! જો તમે ઘોડા જેવા દોડતા હો ને તોય કોઈ આમ બીમાર જાહેર કરીને તમારું પાનું કાપી નાખે તો ? તમને તો આ કારણની ખબર ત્યારે જ પડે ને, જ્યારે કોઈ તમારી ખબર પૂછે ? કે ડૉક્ટર સૂચવે ?
આવી અટપટી ચાલ ચાલીનેય ધાર્યું કરી લેનારા હોય છે. તમારી તબિયત વિષે, તમારા સંજોગો વિષે, તમારી વ્યસ્તતા વિષે, તમારા સ્વભાવ વિષે, તમારા ‘ભાવ’ વિષે, તમારી ક્ષમતા અને પાત્રતા વિષે ‘‘વધારીને’’ વાત કરનારાની આ વિશિષ્ટ આવડતના શિકાર બનો ત્યારે વીંધાઇ ગયા પછીય જાણ ન થાય એવું બને !
વડીલની ઇચ્છા હતી કે એ એમની સાથે આવો ‘ખેલ’ ખેલનાર પેલા અંગતજનને એનું કારણ પૂછે ! પણ, પછી પૂછવાની નિરર્થકતા સમજીને એમને જાતે જ વિશ્વ્લેષણ કર્યું. અને એમને આવું કરનારનો હેતુ સાવ સ્પષ્ટ સમજાઈ ગયો ! એમાં રહેલા એમનો સ્વાર્થ સિદ્ધ કરવાના ભાવને એ ઓળખી શક્યા. પોતાના સુધી વાત ન આવવા દેવા પાછળ. એક પ્રકારની દુર્ભાવના જ હતી. દીકરીને સારું મળે એમાં નિમિત્ત ન બનવાનું એમણે નક્કી જ કર્યું હશે. અને આજ પછી પણ, જ્યારે જ્યાંથીય આવી કોઈ તક ઊભી થાય તો આડા આવવાનો સંકલ્પ પણ ખરો જ ! એમાં એમને શું મળે તે સવાલ જ નકામો ! આવી માનસિકતાવાળાને કોઈનું કૈં અટકે કે બગડે તો આનંદ મળે છે. અને એ આનંદ જ એમને મન પ્રાપ્તિ છે ! એમની પોતાની દીકરી કે કોઈ ઓળખીતાની દીકરીને પરણાવી દેવાય એવી ચાલ હોય તો ય સમજ્યા ! ઘણીવાર આવી ગણત્રી પણ હોય છે અને એમાં તો દેખીતો જ લાભ પણ હોય છે. સમાજમાં આવા ‘વચેટિયા’ સક્રિય હોય છે. કોઈ પણ ક્ષેત્રમાં એ મળી જાય. એ જવાબદારી વગર જ નફો કમાઈ લે છે. સોદો સફળ થયો તો એ એમની તમારા તરફની કરુણા, અને પ્રસંગ નિષ્ફળ ગયો તો તમારું નસીબ ! અને એ પણ સાચું જ ને કે લોભિયા હોય ત્યાં ઘુતારા ભૂખે ન મરે. રૂપિયાના ચાર અડધા શોધનારાને કોણીએ ગોળ લગાડી રસ્ત
ાનો માલ સસ્તામાં પધરાવનારાય મળે જ ને ! ગુણવત્તા અંગેની જાગૃતિનો અભાવ, સમજ કે પરખની ગેરહાજરી અથવા તો આંધળો વિશ્વાસ કે અંજાઇ જવાની મર્યાદા એને માટે જવાબદાર.
વચેટિયાને તો બેઉ હાથમાં લાડુ ! જેને ત્યાં પ્રસંગ છે એનો પ્રસંગ સાચવી આપ્યો ને જેને તક આપી એના પર ઉપકાર કર્યો ! ‘તક’ મળે તો ધનભાગ્ય એવી માનસિકતા ધરાવનારાને આ લોકો સૂંઘીય લેતા હોય છે. પરિણામે જુગતે જોડી જામે છે. કોઈકવાર પ્રતિભાશાળીય એમની ઝપટે ચડી જાય છે. પણ સમજે ત્યારે તો પ્રસંગ પૂરો થઈ ગયો હોય છે ને બેઉ પક્ષેથી લાભ પ્રાપ્ત કરનાર પેટે હાથ ફેરવતા અન્ય ભૂખ્યાને ને જમણવારને ભેગા કરવાનું આયોજન કરવામાં ડૂબી હોય છે. ક્યારેક તો પોતે ય જમણવાર ગોઠવીને ભૂખ્યા ને ભેગા કરે છે...ને આ સદ્‌કાર્યમાં સહયોગ શોધી, દાનેશ્વરીને પુણ્યશાળી બનવાની તક આપે છે.

વડીલને લાગ્યું કે આ અંગતજને એમની પડખે રહીને ઘા કર્યો એમાં એણે કોઇક હિસાબ વાળ્યો છે. એ યાદ કરતા હતા કૈંક તો એવું હશે ને જેને કારણે એણે આમ વેર લીઘું ? આપણાથી એવું કૈંક થઈ ગયું હશે તો કોઈ આવું કરે ને ?
એમની દીકરી કુંવારી રહી જવાની છે એવું નથી જ. સારી, સંસ્કારી દીકરી છે, પરિવારની શાખ છે. સારો જીવનસાથી મળવાનો જ છે. અને જે હાથથી છટક્યો છે એણે ય હજી તો ઉત્તમ મુરતિયા સાબિત થવાનું બાકી છે. હજી આજે તો એ સત્કાર સમારંભના મંચ પરથી ઊતરી રહ્યો છે. વડિલને ભોજનમાં કોઈ સ્વાદ નહોતો રહ્યો. એમનો પ્રતિભાવ જરા વધારે પડતો ઉર્મિલ હતો કારણ કે એ હજીય પેલા અંગતજનને શંકાનો લાભ આપવાના મતના હતા. પણ, આ રીતે ફાયદો ઉઠાવનારા, આગળ આવ્યાનો ભ્રમ રચનારા ય સમાજમાં હોય છે એ વાત એમને ગળે નહોતી ઊતરતી.
તમારા હોઠ સુધી આવતો કોળિયો જો અધવચ્ચેથી મારગ આતરે તો એમાં તમારા હાથનો જ વાંક ! આવા હાથ જેવા સાથીના સાથ વિષે જાગૃત રહેવાય તો રહેવું નહંિ તો એ બહાને ય કોઈ ઓળખાયા તો ખરા ?! એક બે ને સાડા ત્રણ!

0 comments: